રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે વિકાસ સહાયને ચાર્જ સોંપાયો
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નવા પોલીસ વડા તરીકે ૧૯૮૯ બેચના આઈપીએસઅધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ આજે આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળી લેશે.
ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયા નિવૃત થતા, રાજ્યના ડી.જી.પી. તરીકેનો ચાર્જ શ્રી વિકાસ સહાય, IPS ને સોંપવામાં આવેલ છે. આ પ્રસંગે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ સમારંભમાં ડી.જી.પી.શ્રી વિકાસ સહાય દ્વારા વિધીવત રીતે રાજ્ય પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળેલ હતો.
નવા ડીજીપી માટે ૩ આઈપીએસઅધિકારીઓ રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિકાસ સહાય ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.
પોલીસ વિભાગમાં ૧૯૯૯માં એસપી આણંદ, ૨૦૦૧માં એસપી અમદાવાદ ગ્રામ્ય, ૨૦૦૨માં અમદાવાદ શહેરના ડીસીપી, ૨૦૦૪માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા.