અદાણીની સંપત્તીમાં વધુ ૨૦ અબજનો ઘટાડો થયો
નવી દિલ્હી, ફોર્બ્સની દુનિયાના ટોપ-૧૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ઝડપથી નીચે ઉતરી રહ્યા છે. હજુ એક સપ્તાહ અગાઉ તેઓ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે હતા, પરંતુ હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવતા જ તેમની સંપત્તિ એટલી ઝડપથી ઘટાવા લાગી કે ત્રણ દિવસમાં તેઓ ટોપ-૧૦માંથી બહાર નીકળી ગયા હતા. હવે તેમની સંપત્તિમાં વધુ ૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને આજે છેક ૧૬મા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણી પાસે હવે ૬૭.૮ અબજ ડોલરની નેટવર્થ છે જે લગભગ આઠ દિવસ અગાઉ ૧૨૦ અબજ ડોલરથી વધારે હતી. આ રીતે અદાણીના શેર તૂટતા જશે તો તેઓ ટોપ-૨૦ ધનિકોની યાદીમાંથી પણ બહાર નીકળી જાય તેવી શક્યતા છે.
ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો ૨૦ હજાર કરોડનો એફપીઓરદ કરવાની જાહેરાત પછી તેના શેરોમાં વધુ પાંચથી ૧૦ ટકાની લોઅર સર્કિટ લાગી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ૨૪ કલાકમાં વધુ ૨૩ ટકાનો એટલે કે ૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ફોર્બ્સની ટોપ-૧૦ અબજપતિઓની યાદીમાં ભારતમાંથી હવે માત્ર મુકેશ અંબાણી સ્થાન ધરાવે છે. અંબાણી અત્યારે ૧૦મા ક્રમે છે. અમેરિકાનું બર્નાર્ડ આર્નોલ્ટ ફેમિલી ૨૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે પહેલા ક્રમે છે, જ્યારે બીજા ક્રમ પર ટિ્વટરના માલિક ઈલોન મસ્ક છે. મસ્ક પાસે ૧૮૩ અબજ ડોલરની સંપત્તિ છે અને ૨૪ કલાકમાં તેમાં ૫.૨ અબજ ડોલરનો વધારો થયો છે.
ત્રીજા સ્થાને એમેઝોનના જેફ બેઝોસ છે જેઓ ૧૨૮ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે, જ્યારે ઓરેકલના માલિક લેરી એલિસન ૧૧૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. વોરન બફેટ પાંચમા ક્રમે અને બિલ ગેટ્સ છઠ્ઠા ક્રમે છે. આ લિસ્ટમાં રિલાયન્સના મુકેશ અંબાણી હવે ૧૦મા ક્રમ પર છે. તેમની સંપત્તિમાં આજે ૧.૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને હવે ૮૨.૬ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે.
ગૌતમ અદાણીએ તેનો ૨૦ હજાર કરોડ રૂપિયાનો એફપીઓ રદ કરવાની જાહેરાત કરી ત્યાર પછી તેના શેરોને ફટકો પડ્યો છે. કેટલીક ગ્લોબલ નાણાકીય સંસ્થાઓ અદાણીની અમુક કંપનીઓના બોન્ડ કે સિક્યોરિટીને લોનના જામીન તરીકે સ્વીકારવા તૈયાર નથી. ક્રેડિટ સુઈસે અદાણીના બોન્ડને માર્જિન લોનના કોલેટરલ તરીકે લેવાની ના પાડી ત્યાર પછી સિટી ગ્રૂપે પણ આવો ર્નિણય લીધો છે. પરિણામે આજે અદાણી ગ્રૂપના તમામ શેરોમાં પાંચથી ૧૦ ટકા સુધી ઘટાડો જાેવા મળ્યો છે.SS2.PG