Western Times News

Gujarati News

અદાણી જૂથને આપેલી લોનનો રિપોર્ટ આપવા બેન્કોને સુચના

નવી દિલ્હી, અદાણી જૂથના શેરોમાં તીવ્ર કડાકા પછી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ ચિંતિત છે. ભારતમાં ઘણી બેન્કોએ અદાણી જૂથને જંગી લોન આપી છે. તેના કારણે બેન્કોના શેર પણ ઘટી રહ્યા છે. આ દરમિયાન આરબીઆઈએ અદાણી જૂથની કંપનીઓને અપાયેલી લોન વિશે રિપોર્ટ આપવા માટે બેન્કોને સૂચના આપી છે. જાેકે આ વાતની સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. અદાણી જૂથે તેનો એફપીઓ (ફોલો-ઓન પબ્લિક ઓફર) રદ કરવાનો ર્નિણય લીધો તેના કારણે ગુરુવારે પણ અદાણી જૂથના શેરોમાં ભારે ઘટાડો થયો હતો.

હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી ભારે મુશ્કેલી વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝિસનો ૨૦ હજાર કરોડ રૂપિયાનો એફપીઓઆખો છલકાઈ ગયો હતો, આમ છતાં અદાણીએ એફપીઓ રદ કરવાની જાહેરાત કરી છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ કહ્યું કે તેમના માટે રોકાણકારોનું હિત સર્વસ્વ છે તેથી તેમણે આ પગલું લીધું છે.
કંપનીએ જણાવ્યું કે બજારની અભૂતપૂર્વ પરિસ્થિતિ અને હાલની વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને રોકાણકારોના હિત ખાતર એફપીઓને રદ કરવામાં આવે છે. રોકાણકારોએ આ એફપીઓમાં જે મૂડી રોકી છે તે તેમને પરત કરવામાં આવશે. ગૌતમ અદાણીએ કહ્યું કે અત્યારની સ્થિતિમાં ૨૦ હજાર કરોડના એફપીઓને આગળ વધારવાનું નૈતિક રીતે યોગ્ય નહીં ગણાય. ગૌતમ અદાણીએ આટલા મહત્ત્વના એફપીઓ અંગે જે ર્નિણય લીધો તેના કારણે રોકાણકારોના સેન્ટીમેન્ટને અસર થઈ છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતની તમામ કંપનીઓના શેરમાં ૧૦થી ૨૦ ટકા સુધી ઘટાડો થયો છે.

તાજેતરમાં અદાણી ગ્રૂપને બેન્કોની લોન વિશે સીએલએસએદ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અદાણીના કુલ દેવામાં બેન્કોનું ધિરાણ ૪૦ ટકાની રેન્જમાં છે. અદાણીના દેવામાં નાણાકીય સંસ્થાઓ અને વિદેશી બેન્કોનો મોટો હિસ્સો છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીએ તેના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની કંપનીઓના દેવામાં જંગી વધારો થયો હોવા છતાં નાણાકીય વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ના ગાળામાં આ ગ્રૂપની બેન્ક લોન સ્થિર રહી છે.

કેટલીક બેન્કોએ જણાવ્યું કે અદાણી ગ્રૂપમાં બેન્કોનું ધિરાણ નક્કી કરવામાં આવેલી મર્યાદાથી ઘણું નીચું છે. વિદેશી બ્રોકરેજે જણાવ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં અદાણી જૂથમાં બેન્કોના ફંડિંગમાં મોટો વધારો નથી થયો. જાેકે, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં અદાણીની ટોચની પાંચ કંપનીઓમાં તેની લોન એક લાખ કરોડથી બે લાખ કરોડ રૂપિયા થયું છે. અદાણી જૂથના કુલ દેવામાં બેન્કોના હિસ્સામાં ઘટાડો થયો છે. અમને લાગે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી જૂથે એક લાખ કરોડની લીધી તેમાંથી ૧૫ ટકા અથવા ૧૫,૦૦૦ કરોડની લોન બેન્કોની છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.