લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન
મહોત્સવના પ્રારંભે પાલનપુરના માર્ગો પર હાથી ઘોડા ડીજે અને માતાજીના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
(માહિતી) પાલનપુર, વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે માઁ અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે ૩ જી ફેબ્રુઆરી થી ૫ મી ફેબ્રુઆરી દરમિયાન માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મહોત્સવના પ્રારંભે પાલનપુરમાં વાજતે ગાજતે માઁ અર્બુદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પાલનપુર ના માર્ગો પર નિકળેલી આશરે ૧૦ કિમી. જેટલી લાંબી આ ભવ્ય શોભાયાત્રામાં આંજણા સમાજના ભાવિક શ્રધ્ધાળુ ભાઈ બહેનો સહિત આબાલવૃદ્ધ સૌ કોઈ લાખોની સંખ્યામાં જાેડાયા હતા. હાથી, ઘોડા સાથેનો માતાજીનો દિવ્ય રથ, જવારાઓ સાથેની ૫૦૦૦ કરતાં વધુ મહિલાઓ, અને લાઈવ ડીજે ના તાલે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ પાલનપુરના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. લાખોની સંખ્યામાં ઉમટેલા ભવિકોથી પાલનપુરના માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
સવારે ૭ઃ૩૦ કલાકે પાલનપુર આદર્શ વિદ્યાલય અર્બુદા મંદિરથી નીકળેલી શોભાયાત્રા ગલબા કાકા સર્કલથી સુરેશ મહેતા ચોક થઈ સંજ્ય મહેતા ચોક થી પુન ઃ સુરેશ મહેતા ચોક આવી લાયન્સ હોસ્પિટલ રોડથી રામનગર ચોક થઈ કુંવરબા સ્કૂલથી આદર્શ વિદ્યાસંકુલ આવી નવા ગંજ બજારથી બનાસડેરી થઈ લાલાવાડા યજ્ઞ સ્થળે પહોંચી હતી. શ્રદ્ધા, શક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સમા માં અર્બુદાના રજત મહોત્સવમાં ત્રણ દિવસમાં ૧૦ લાખ કરતાં વધારે ભાવિક શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારવાની સંભાવના છે ત્યારે આયોજન કર્તાઓ દ્વારા વિશાળ પાયે વ્યવસ્થાઓ અને સગવડોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન, યજ્ઞ સ્થળે પ્રદક્ષિણા અને ભોજન પ્રસાદ માટે સ્વયં સેવકોની વિશેષ ટિમો બનાવવામાં આવી છે.