Western Times News

Gujarati News

ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનું લક્ષ્ય : રાજ્યપાલ

કેન્દ્રીય બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્રી સુશીલ કુમાર મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય અંદાજપત્રના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન

કેન્દ્ર સરકાર ગુજરાત સહિત તમામ રાજ્યોને રૂ. 1,30,000 કરોડની વ્યાજમુક્ત લોન આપશે

ભારત સરકારની બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક, રાજ્યસભાના સાંસદ અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી સુશીલ કુમાર મોદીએ આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્રમાં ગુજરાત, સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટેના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન કર્યું હતું. સહકાર, લઘુ, સૂક્ષ્મ, કુટિર અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં આગામી ત્રણ વર્ષમાં ભારતમાં એક કરોડથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સાથે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે રૂપિયા 469 કરોડનું પ્રાવધાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોક કલ્યાણ માટેની આ મહત્વકાંક્ષી કૃષિ પદ્ધતિને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.

પ્રતિવર્ષ ભારતના અઢી લાખ કરોડ રૂપિયા રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સની આયાત માટે વિદેશોમાં જાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આ નાણાં બચશે, જે જનહિતની અન્ય યોજનાઓમાં વાપરી શકાશે. એટલું જ નહીં, કૃષિમાં બાયો ઇનપુટ રિસર્ચ માટે ભારતમાં 10,000 સેન્ટર્સ સ્થાપિત કરવાનું પણ આયોજન છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ ખેડૂતોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકાર ખેડૂતોને જ ટ્રેનર બનાવશે. પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો જ અન્ય ખેડૂતોને તાલીમ આપે એવી ઓછી ખર્ચાળ અને અત્યંત અસરકારક યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેના સારા પરિણામો આવશે. તેમણે રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ અને જોગવાઈઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી.

ભારત સરકારની અંદાજપત્રીય સમિતિના રાષ્ટ્રીય સંયોજક અને રાજ્યસભાના સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં સમાજના તમામ વર્ગો અને ક્ષેત્રો માટે કંઈક ને કંઈક જોગવાઈ છે. આ અંદાજપત્ર વિકાસ યોજનાઓ અને આંતરમાળખાકીય સવલતોને વધુ વેગ આપનારું સાતત્ય પૂર્ણ બજેટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.