સોજીત્રામાં ગેરકાયદેસર દબાણને દુર કરવા પાલિકાનું અભિયાન

દબાણકારોને સીઓનુ મંગળવાર સુધીનું અલ્ટિમેટમ
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને સોજીત્રા પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચાર્જ લેતા જ તેઓએ દબાણકારો સામે લાલ આંખ કરતા લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આજરોજ નગરના મુખ્ય રાજમાર્ગ ઉપર માર્જિનના પટ્ટા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આજરોજ દબાણકારો સાથેની મિટીંગમાં લારી ગલ્લા વાળાને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા સોમવાર સુધીનો સમય આપ્યો છે, નહિતો મંગળવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો દૂર કરવાનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. દબાણો દૂર કરવાની કામગીરીને લઈ છેલ્લા એકાદ મહિનાથી આજ-કાલ ઉપર કામ જતુ હતું. છેવટે આ વિવાદને કારણે તત્કાલિન ચીફ ઓફિસરે માત્ર વીસ જ દિવસમાં રાજીનામું ધરી દિધું હતું.
છેવટે સોજીત્રા નગરપાલિકાનો ચાર્જ પેટલાદ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને આપવામાં આવ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ દબાણો હટાવવાની કામગીરી હાથ ઉપર લીધી છે. છેલ્લા બે દિવસથી દબાણો દૂર કરવા સત્તાધીશો સાથે પણ વાટાઘાટો ચાલતી હોવાનું જાણવા મળે છે.
અંતે પાલિકા ખાતે દબાણકારો સાથે ઈ.ચા. ચીફ ઓફિસર સંજય રામાનુજે મિટીંગ કરી હતી. જેમાં સીઓ એ દબાણકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે મુખ્ય રાજમાર્ગ પૈકી જે કોઈ દબાણો હોય તે સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા. જાે તેમ નહિ થાય તો મંગળવારથી દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા દ્ધારા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ અંગે ઈ.ચા. સીઓ સંજય રામાનુજે જણાવ્યું હતું કે રસ્તાની માપણી મુજબ આજથી સફેદ પટ્ટા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સોજીત્રામાં મુખ્ય રસ્તા પૈકી આશરે ૮૦ થી ૯૦ જેટલા લારી, ગલ્લા, શેડ વગેરે જેવા દબાણો છે. આ સમગ્ર મામલે આજે સોજીત્રામાં વર્ષોથી દબાણો કરી અડીંગો જમાવી બેઠેલા લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે.