Western Times News

Gujarati News

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું કલેક્ટર સહિત અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ

(માહિતી બ્યુરો,પાલનપુર) રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે તે પરિક્રમા પથનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને નિરીક્ષણ કર્યુ હતું.

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાના હોવાથી કલેક્ટરશ્રીએ પરિક્રમા પથ સહિત પાર્કિંગ સ્થળો, યજ્ઞ સ્થળો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને પાંચ દિવસ જે જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાાના છે તે તમામ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજીની પાવન ભૂમિમાં આ અનેરો અવસર ઉજવાશે ત્યારે અરવલ્લીના ડુંગરાઓમાં ભક્તિનો અનેરો સંગમ સર્જાશે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રધ્ધાળુઓ ૨.૫ કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો ને નિહાળવા તથા પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.