અદાણીએ ટોપ-૨૦ અમીરોના લિસ્ટમાં આખરે વાપસી કરી
નવી દિલ્હી, અદાણી જૂથના વડા ગૌતમ અદાણી વિશ્વના અમીરોના લિસ્ટમાં પાછળ ધકેલાઈ ગયા પછી ફરી ૫ ક્રમ આગળ આવી ગયા છે. ફોર્બ્સની વિશ્વના ટોપ-૨૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ૧૭મા ક્રમ પર આવી ગયા છે. ગયા અઠવાડિયે તેઓ ટોપ ૨૦ના લિસ્ટમાંથી બહાર ફેંકાઈને ૨૨મા ક્રમે પહોંચી ગયા હતા, પરંતુ આજે તેમની કંપનીઓના શેર વધતા અદાણીની નેટવર્થમાં ૪૬.૩ કરોડ ડોલરનો વધારો થયો હતો. અદાણી હવે ૬૧.૧ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. અદાણી ગ્રૂપના ફિયાસ્કો પછી વિશ્વના ટોપ-૧૦ અમીરોની યાદીમાં હવે એક પણ ભારતીય નથી. અદાણી પ્રકરણ શરૂ થયું તે અગાઉ આ લિસ્ટમાં ગૌતમ અદાણી ત્રીજા ક્રમે અને રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણી૯મા ક્રમે હતા.
આજે અદાણી ટોટલ ગેસને બાદ કરતા અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેર વધ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર આજે ૨૦ ટકા જેટલો વધી ગયો હતો. ફોર્બ્સની યાદીમાં જે ધનિકોના નામ છે તેમાં આજે એક દિવસમાં સૌથી વધુ કમાણી ગૌતમ અદાણીએ કરી છે. તેમની સંપત્તિમાં ૪૬.૩ કરોડ ડોલરનો વધારો થયો હતો. જ્યારે ઈલોન મસ્કની સંપત્તિ એક દિવસમાં ૩૦૦ કરોડ ડોલર, તાડાશી યાનાઈની સંપત્તિ ૭૦ કરોડ ડોલર અને રવિ જયપુરિયાની સંપત્તિ ૬૭.૫ કરોડ ડોલર વધી હતી.
ફોર્બ્સની ટોપ-૧૦ ધનિકોની યાદીમાં શરૂઆતના નામોમાં કોઈ ફેરફાર થયો નથી. બર્નાર્ડ આર્નોલ્ટ ફેમિલી હજુ પણ ૨૧૬ અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર પછી ઈલોન મસ્ક ૧૮૭ અબજ ડોલરની મિલ્કત સાથે બીજા સ્થાને અને એમેઝોનના જેફ બેઝોસ ૧૨૫ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. આ લિસ્ટમાં વોરેન બફેટ અને બિલ ગેસ્ટ જેવા ધુરંધરોના નામ પણ સામેલ છે.
અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપને લગતો ચોંકાવનારો અહેવાલ આવ્યા પછી અદાણીની સંપત્તિમાં લગભગ ૫૦ ટકાનું ધોવાણ થયું છે. ફોર્બ્સની વિશ્વના ટોપ-૧૦ અમીરોની લિસ્ટમાં તેઓ ત્રીજા ક્રમેથી પાછળ ખસીને સીધા ૨૨મા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હવે તેમણે અસાધારણ કમબેક કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં બાઉન્સ બેક આવ્યો છે જેના કારણે આ શેર તેના તાજેતરના તળિયેથી લગભગ ૯૩ ટકા વધી ગયો છે. આ ઉપરાંત બીજા શેરો પણ પાંચથી આઠ ટકા જેટલા વધ્યા છે. તેના કારણે અદાણીની સંપત્તિમાં આજે તીવ્ર તેજી જાેવા મળી છે.SS3.PG