નડિયાદમાં રોષે ભરાયેલા નાગરિકોએ ચક્કાજામ કર્યુ
નવાગાજીપુર વાડમાં ચોમાસામાં ભરાતા પાણી, ગટર અને સફાઈ મુદ્દે પ્રજાનો હલ્લાબોલ
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં સલુણ બજાર વરીયાળી માર્કેટ વિસ્તાર પાછળ આવેલ મુળેશ્વર તળાવનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી પેચીદો બન્યો છે. તળાવમાંથી ઉભરાતા પાણી ચોમાસામાં લોકોના ઘરમાં ઘૂસી જાય છે આ વિસ્તાર ના ૨૫૦થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાય છે. તળાવના ગંદા પાણી અવારનવાર આ પરિવારના ઘરના આંગણા સુધી તો ક્યારેક ઘરમાં આવી જતાં સ્થાનિકોએ અવારનવાર લેખીત, મૌખિક રજૂઆતો કરી છે. પણ આમ છતાં આ પરિસ્થિતિમા કોઈ સુધારો નથી. ઉલટાનું દિવસને દિવસે અહીયા ખરાબ પરિસ્થિતિ બનતી જાય છે. ત્યારે આજરોજ અકળાયેલા સ્થાનિકોએ તંત્રના બહેરા કાન ખોલવા માટે રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો.
નડિયાદ શહેરના વોર્ડ નંબર ૬મા પાયાની સુવિધાઓનો અભાવ જાેવા મળી રહ્યો છે. રોડ, રસ્તા, ગંદકી, ગટર ઊભરાવવી સહિતના પ્રશ્નોનો જાેવા મળે છે. આ વોર્ડમાં આવેલ નવા ગાજીપુર વિસ્તાર કે જે સલુણ બજાર વરીયાળી માર્કેટ વિસ્તાર પાછળ આવેલ મુળેશ્વર તળાવની આસપાસનો છે. અહીયા ૨૫૦થી વધુ પરિવારજનો પોતાના બાળકો સાથે રહે છે. છેલ્લા લગભગ એકાદ વર્ષથી તેમની હાલત ગંભીર બની છે કારણ કે આ તળાવમાં નજીકના વિસ્તારોનુ ગટરનું પાણી વાળ્યું છે. એ આ તળાવ વારે ઘડીએ ઓવરફ્લો થાય છે અને તળાવના ગંદા પાણી અહીંયા આસપાસ રહેતા ઘરના આંગણા સુધી પહોચ્યા છે. જેના કારણે ગંદકી થતા રોગચાળાની દેહશત પણ સિવાય રહી છે. તળાવમાં ગંદકીનું સામ્રાજય છે.
અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને આ અવાજ ન પહોંચતા આક્રોશમાં આવેલા સ્થાનિકોએ અને મહિલાઓએ રોડ ઉપર ઉતરી આજે સવારે ચક્કાજામ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા બાળકો અને યુવાનો રોડ ઉપર ઉતરી રોડની વચ્ચોવચ બેસી ગયા હતા. જેના કારણે રોડની ડાબી અને જમણી બાજુ વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. અને સ્થાનિકોએ ‘હમારી માંગે પૂરી કરો’ ના નારા લગાવ્યા હતા. જાેકે લાંબા સમય બાદ પોલીસ તંત્ર આવી પહોંચતા સમજાવટ મારફતે રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો.
લગભગ બે કલાક જેટલો રસ્તો બંધ રહ્યો હતો.આ વોર્ડના પાલિકા અપક્ષ સભ્ય માજીદખાન પઠાણ જણાવે છે કે, મૂળેશ્વર તળાવના પ્રશ્ન અંગે અમે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી અને હાલ પણ કરી રહ્યા છે. કોઈ એવી સામાન્ય સભા નહીં હોય કે આ મુદ્દો મેં ઉઠાવ્યો ન હોય દરેક સામાન્ય સભામાં મુદ્દો ચર્ચામાં લીધો છે. ઉપરાંત કલેકટર સુધી પણ રજૂઆત કરી છે. આમ છતાં પણ અમારી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. અને જાે આવનાર સમયમાં આ નિરાકરણ નહીં આવે તો આજે જે પ્રમાણે રોડ ઉપર ચક્કાજામ કર્યું છે તે પ્રમાણે દરરોજ અમે ટ્રાફિક જામ કરી ચક્કાજામ કરીશું અને ગાંધીનગર સુધી અમે પહોંચીશું. વધુમાં તેઓએ એવા આક્ષેપો કર્યા છે કે, મારા આ વોર્ડને અવિકસતિ રાખવામાં આવી રહ્યો છે.