ક્યારેક હોમ લોન અગાઉથી ભરવામાં શાણપણ નથી
તમે ઘર ખરીદવા માટે અથવા કાર વગેરે જેવી મિલકતો વસાવવા માટે લોન લીધી હોય ત્યારે ઘણીવાર એવું બને કે તમારી પાસે થોડા વધારાના પૈસા હોય અને એ પૈસાનું બીજે રોકાણ કરવું કે પેલી લોન વધારે પૈસા ભરીને તેને જલ્દીથી પતાવી દેવી એવો પ્રશ્ર તમને સતાવે, આ પ્રશ્ર સામાન્ય છે અને ઘણા લોકોને લાગુ પડે છે.
એક ઉદાહરણ જાેઈએ, મારા એક વાંચકે મને લખેલું કે તેણે ઘર ખરીદવા હાઉસિંગ લોન લીધી છે જેના પર તે૧૧ ટકા દરે વ્યાજ ભરે છે. અલબત્ત, તેને માટે આ કોઈ સમસ્યા નથી કારણ કે એ પોતાની આવકમાંથી લોનના માસિક હપતા (ઈએમઆઈ) આરામથી ભરી શકે છે પણ હવે તેની પાસે થોડા વધારાના પૈસા છે જેનું તે રોકાણ કરી શકે એમ છે. એનો પ્રશ્ર છે કે વધોર સારો વિકલ્પ કયો- જે લોન લીધી છે તે તેના સમય પહેલા ભરપાઈ કરી દેવી કે આ પૈસા લાંબા લાંબા ગાળાના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા ?
આ કોઈ અસાધારણ દ્વિધા નથી, જે લોકો પગાર મેળવે છે અને જેમણે હોમ લોન લીધી છે એ લોકોને ક્યારેક આ પ્રશ્ર ઉભો થવાનો જ છે. તમે જયારે લોન લો ત્યારે એટલી જ લોન લેશો જેના ઈએમઆઈ તમને પરવડે. પછી થાય એવું કે તમારી આવક વધે અને તમને લાગે કે શરૂઆતમાં જે આયોજન કરેલું તેના કરતા વધુ રકમ તમે હવે ભરપાઈ કરી શકો એમ છો તો હવે તમારે શું કરવું જાેઈએ ?
તમે નાણાકીય સલાહકારને આ પ્રશ્ર પૂછો તો શક્યતા એવી છે કે એ તમને સૌથી પહેલા લોન ભરી આપવાનું કહેશે. નાણાકીય આયોજનમાં આ એક પાયાનો અને પહેલો સિદ્ધાંત છે- પહેલા દેવું ચૂકવી નાખો અને પછી બચત કરો. આ સિદ્ધાંત બહુ સાબુત છે અને લગભગ હંમેશા તેનો અમલ કરવો જાેઈએ પણ અહીં લગભગ શબ્દ જાણી જાેઈને વાપર્યો છે એ તમારે નોંધવું જાેઈએ. ક્રેડિટ કાર્ડની મોંઘી લોન ચૂકવી દેવી કે બચત કરવું એ વચ્ચે પસંદગી કરવાની હોય તો સ્પષ્ટ છે કે ક્રેડિટકાર્ડની લોન જપહેલા ચૂકવી દેવી જાેઈએ. ગ્રાહક લોનની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે પછી એ લોન કાર માટે હોય કે બીજી કોઈ ચીજવસ્તુ માટે. જે લોકો નાણાં ઉછીના લઈને રોકાણ કરે છે તેમને માટે તો આ સિદ્ધાંત વધુ સાચો છે પરંતુ આ સલાહમાં થોડા અપવાદો પણ છે.
લાંબા ગાળાના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમને જે વળતર મળશે તે તમે હાઉસિંગ લોન પર જે વ્યાજ ભરો છો તેના કરતા વધુ હોઈ શકે. ભૂતકાળમાં એસઆઈપી પર વળતર દસ વર્ષના સમયગાળામાં ઉંચુ રહ્યું છે. ઈએમઆઈ ભરતા બધા લોકો માટે આ સાચું છે. ઉપરાંત હાઉસિંગ લોનના કિસ્સામાં તો લોન જલ્દી ભરી ન દેવા માટે એક ખાસ કારણ છે અને તે કારણ છે વ્યાજ પર કરકપાત. લોન લઈને ઘર ખરીદ્યું હોય ત્યારેતમારે એ યાદ રાખવું જાેઈએ કે હવે તમે ઘર ભાડું નથી ભરતા. હા, અગર કોઈએ ઘણી બચત કરી હોય જે પ્રવાહી પણ હોય, અને આગળ જતા તે કોઈ મોટા ખર્ચાની અપેક્ષા રાખતો નથી તેવી વ્યક્તિ માટે બચત કરવાને બદલે લોન ભરી દેવી સલાહભર્યું છે. આ ઉપરાંત એક બીજી વાત પણ નોંધવા જેવી છે જે મનુષ્યની માનસિકતાને લાગેવળગે છે. કોઈ વ્યક્તિ પાસે બચત ન જ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં અને ગમે તેટલો વ્યાજદર હોય તોપણ તેણે હોમ લોન આગળ લંબાવવી પડે. આવા સંજાેગોમાં બચત કરવી જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો કટોકટી માટેના પૈસાના નિયમો અલગ છે.