બાપુનગર ડાયમંડ માર્કેટમાં દુકાનોનાં તાળાં તૂટયા
બાપુનગર |
એક દુકાનમાંથી ૧.૩૭ લાખની રોકડ ચોરીઃ અન્ય કેટલીકદુકાનોમાંથી પણ ચોરીઃ શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવસે ને દિવસે ચોરો અને તસ્કરો પોલીસનો કોઈ ખોફ જ ન હોય એ રીતે બેફામ થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં પણ મંગળવારની રાત્રે તસ્કરોએ કેટલીક દુકાનોનાં તાળાં તોડયાનું સામે આવ્યું છે. મંગળવારે રાત્રે દુકાન બંધ કરીને ગયા બાદ બીજા દિવસે સવારે પરત ફરેલાં કેટલાંક વેપારીઓએ પોતાની દુકાનનાં શટર કે તાળાં તૂટેલાં જાયા હતા. આ અંગે શહેર કોટડામાં ફરીયાદ કરવામાં આવી હતી.
ચોરીની ફરીયાદ કરનાર વેપારી શૈલેષભાઈ અમરનાથ ભાટીયા (રહે. નવરંગ ફલેટની બાજુમાં બાપુનગર) બાપુનગરનાં મહાશકિત એસ્ટેટમાં ન્યુટેક મેટલ નામની દુકાન ધરાવે છે. જેમાં તે તાંબાના વાયર બનાવવાનું કામ ભાગીદારીમાં કરે છે.
મંગળવારે રાત્રે શૈલેષભાઈ નવ વાગે દુકાન બંધ કરીને ગયા હતા. બીજા દિવસે દુકાનમાં કામ કરતાં કારીગરોનો પગાર કરવાનો હોઈ રૂપિયા એક લાખ સાડત્રીસ હજારની રોકડ રકમ તેમણે ડ્રોઅરમાં મુકી હતી. બીજે દિવસે સવારે તે દુકાન આવ્યા ત્યારે સામાન વેરવિખેર જાયો હતો. અને ડ્રોઅરમાં મુકેલા એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા પણ ગાયબ હતા. તપાસ કરતાં તેમની દુકાનમાં પાછળ આવેલી બારીના સળીયા તુટેલાં જણાયા હતાં.
જેથી શૈલેષભાઈએ બુમાબુમ કરતાં તેમની દુકાનની પાછળ આવેલાં ડાયમંડ માર્કેટની કેટલીક દુકાનોનાં પણ શટર તોડવામાં આવ્યા હોવાની તેમને જાણ થઈ હતી. એક જ રાતમાં ચોરોએ ધડબડાટી બોલાવતાં પોલીસની ટીમો બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે પહોચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. ઉપરાંત આસપાસની કેટલીક દુકાનોનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ પોતાના બાતમીદારોને પણ સક્રીય કરીએ પોલીસે ચોરોની ઓળખ મેળવવા નો પ્રયાસ કરી રહી છે. જે એક જ રાતમાં દુકાનોનાં તાળાં તુટતાં વેપારીઓ રોષે ભરાયાં છે. અને પોલીસની કામગીરી સામે શંકા સેવી રહયાં છે.