પાક.માં જાનૈયા લઈ જતી બસ ખીણમાં ખાબકતાં ૧૫નાં મોત
ઈસ્લામાબાદ, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વધુ એક દુર્ઘટના ઘટી છે. પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, પંજાબ પ્રાંતમાં જાનૈયાઓને લઈ જઈ રહેલી તેજ રફ્તાર બસ ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થઈ ગયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈસ્લામાબાદથી લાહોર જઈ રહેલી બસ રવિવારે મોડી રાત્રે લાહોરથી લગભગ ૨૪૦ કિલોમીટર દૂર કલ્લાર કહાર સાલ્ટ રેંજ ક્ષેત્રમાં પલટી ગઈ હતી.
બચાવ સેવાના અધિકારી મુહમ્મદ ફારૂકે સોમવારે જણાવ્યું હતું કે, બસ પલટી જતા પહેલા વિરુદ્ધ દિશામાંથી આવતા ત્રણ વાહનો સાથે અથડાઈ હતી અને ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકો સવાર હતા. ઈમરજન્સી રેસ્ક્યુ સર્વિસ ‘રેસ્ક્યુ ૧૧૨૨’એ જણાવ્યું કે, બ્રેક ફેલ થઈ જવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ફારૂકે કહ્યું કે, મૃતકો અને ઘાયલોને બસ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, ઘાયલોને રાવલપિંડી અને ઈસ્લામાબાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ૧૧ની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં ૬ મહિલાઓ સામેલ છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનના પેશાવરમાં પણ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા હતા. SS2.PG