કનીજ ખાતે ફાગણી પૂનમ ડાકોર અંગેની કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ખાતે આવેલા રણછોડરાય મંદિરના પ્રાંગણમાં ફાગણી પૂનમે ડાકોર શ્રી રણછોડરાયના દર્શનાર્થે જતા પદયાત્રીઓની તથા તેમની નિઃશુલ્ક સેવા આપનારા સેવાકેન્દ્રોની જરૂરી સુવિધા અંગે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ મંત્રી હરીન પાઠકે જણાવ્યું કે રણછોડરાયના દર્શનાર્થે ગુજરાતભરના વિશેષ કરીને અમદાવાદના લાખો પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે તેમની આ યાત્રા મંગળમય થાય અને પદયાત્રીઓને કોઈ પણ હાલાકી ન પડે તેની ખાતરી કરવાની ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિએ આપે છે.
શ્રી પાઠકે જણાવ્યું કે ડાકોર પદયાત્રા દરમ્યાન કોઈ ભંડારામાં કે કેમ્પમાં તકલીફ ન પડે તે માટે ચાર ઝોન પાડવામાં આવ્યા છે. ઝોન ૧ અમદાવાદથી હાથીજણ ચોકડી સુધી, ઝોન ૨ હાથીજણ ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ સુધી, ઝોન ૩ ખાત્રજ ચોકડીથી મહુધા સુધી ઝોન અને ૪ મહુધાથી ડાકોર સુધીના ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના કાર્યકર્તાઓ પદયાત્રીઓનો પૂર્ણ રૂપથી તેમને કોઈ પદયાત્રામાં અગવડતા ન પડે તેની કાળજી લેશે.
કલેક્ટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે ગત વર્ષના અનુભવ પ્રમાણે આ વર્ષે પણ એક પણ પદયાત્રીને હાલાકી ન પડે તેની ખાતરી આપી અને ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને ડાકોરની પદયાત્રા દરમિયાન કઈ બાબતોની કાળજી રાખી યાત્રાની કામગીરી કઈ રીતે કરવી તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું.