નાલંદા સ્કૂલ સંકુલમાં ડ્રેનેજના પાણી ઉભરાતા શાળામાં ૫ દિવસની રજા જાહેર
સંકુલમાં ગટરના પ્રદૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકની રાજપીપળા ચોકડી નજીક સારંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની વચ્ચે ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ ગટર લાઈન ઉભરાઈ રહી હતી.પરંતુ હવે ગટર લાઈનના પ્રદૂષિત પાણી નાલંદા સ્કૂલ સંકુલમાં ફરી વળતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પાંચ દિવસની રજા જાહેર કરી છે અને પ્રદૂષિત પાણી તેમજ દુર્ગંધના કારણે ઘણા લોકો ડેન્ગ્યુ અને મલેરિયાના રોગચાળામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક સારંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની હદ વચ્ચે એક નાલંદા સ્કૂલ આવેલી છે.આ સ્કૂલ સારંગપુર ગ્રામ પંચાયતમાં હોવાનું માનવામાં આવે છે.સારંગપુર ગ્રામ પંચાયત અને ગડખોલ ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઈનની સફાઈ ન થતી હોય અને કામગીરી પણ અટકાવી હોવાના આક્ષેપ સાથે ડ્રેનેજ લાઈનના પ્રદૂષિત પાણી નાલંદા સ્કૂલના સંકુલમાં ફરી વળ્યા હતા.જેના કારણે ગટરના પ્રદૂષિત પાણીમાં મચ્છરો અને બાળકો રોગચાળામાં ન સપડાય તે માટે ગટરના પ્રદૂષિત પાણી બહાર ન નીકળે ત્યાં સુધી શાળા સંચાલકોએ ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પાંચ દિવસ માટે રજા જાહેર કરી સ્કૂલ બંધ કરી દીધી હતી.
ગટરના પ્રદૂષિત પાણી ક્યારે નીકળશે તે પ્રશ્નને લઈ શાળા સંચાલકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને અંતે શાળા સંચાલકોને સ્થાનિક હોય મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી.નાલંદા સ્કૂલ નજીક ખુલ્લી ગટર અને ગટરના પ્રદૂષિત પાણી માંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડતી હતી અને એક બાળક ગટરમાં ખાબકી જવાના કારણે તેનો હાથ ફેક્ચર થઈ જતા તેનું ઓપરેશન કરાવવાની નોબત આવી છે.ગટરના પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુના વિસ્તારમાં ભયંકર ડેન્ગ્યુ સહિતના રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો આક્ષેપ પણ હવે સ્થાનિકો કરી રહ્યા છે.સ્થાનિકોએ કાયમી સમસ્યાનો અંત લાવવાની માંગ ઉઠાવી છે.
જાેકે ગટરના પ્રદૂષિત પાણી સ્કૂલ સંકુલમાં ફરી વળતા પાણીના નિકાલ માટે બંને ગ્રામ પંચાયત કામે લાગી હતી જાેકે ગટરના પ્રદૂષિત પાણી પણ જાહેરમાર્ગો ઉપર રઝળતા થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાની ફરજ પડી હતી.ઘટના અત્યંત દુર્ગંધ દ્વારા પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુના લોકોએ પણ પોતાના ઘરના બારી બારણા બંધ રાખવાની ફરજ પડી રહી છે.