#GodhraMassacre 21મી વરસી નિમિત્તે બાઈક રેલી યોજી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ગોઝારા ટ્રેન હત્યાકાંડની વરસી નિમિત્તે હૂતાત્માઓને શાંતિ માટે ગોધરા શહેરના વીએસપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા શહેરના ચારચર ચોકથી બાઈક રેલી યોજીને રેલ્વે યાર્ડમા મુકવામાં આવેલા જી૬ કોચ પાસે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી..
૨૭ ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ ૨૦૦૨ માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી.
જેમાં ૫૯ જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને ૨૧ વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા ૫૯ કાર સેવકોને આજે ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૨૧ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કારસેવકો પરત ફરી રહ્યા હતા. ગોધરામાં એ કેબિન પાસે ઉભેલી ટ્રેનના એસ-૬ કોચમાં ૫૯ કાર સેવકો સવાર હતા.
ત્યારે આ કોચને આગ લગાવી તમામ કારસેવતોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં તમામ ૫૯ જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે, જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૨૧ મી વરસીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજવામાં આવી હતી.
આ રેલી ગોધરા રેલવે યાર્ડમાં રાખવામાં આવેલ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ ખાતે પહોંચી હતી. જ્યાં કોચ પાસે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને રામધૂન બોલાવી હતી. સાથે જ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.દરમ્યાન પોલીસ નો ચૂસ્ત બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.