Western Times News

Gujarati News

28 February – National Science Day અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું

અમદાવાદ Science City ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ -૨૦૨૩’નું આયોજન

(માહિતી) અમદાવાદ, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૬ જૂલાઈ ૨૦૨૧ના રોજ ગુજરાત સાયન્સ સિટી ૨.૦નું ઉદ્‌ઘાટન કર્યા બાદ બહોળા પ્રમાણમાં સ્ટુડન્ટ્‌સ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. ૧૬ જુલાઇ ૨૦૨૧ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અંદાજિત ૧૯,૯૮,૬૦૦ મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ, વિજ્ઞાન વિશ્વમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. 28 February – National Science Day

સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી.વદરના જણાવ્યા મુજબ, વર્ષ અનુસાર આંકડાઓની વાત કરીયે તો, વર્ષ ૨૦૨૧માં ૪,૪૩,૩૨૯ મુલાકાતીઓ, વર્ષ ૨૦૨૨માં ૧૨,૩૮,૪૮૪ તેમજ ૧ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૩,૧૬,૭૮૭ મુલાકાતીઓ આમ કુલ ૧૯,૯૮,૬૦૦ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગવિખ્યાત ટાઈમ મેગેઝિન અનુસાર, વર્ષ ૨૦૨૨ના ૫૦ સૌથી શ્રેષ્ઠ સ્થાનોમા સાયન્સ સિટીએ સ્થાન મેળવ્યુ છે. શા માટે ૨૮ ફેબ્રુઆરીએ – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ઃ- ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે.

વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્‌સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે. ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવો, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, લોકોને મહદ અંશે વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ એ ભારતમાં વિજ્ઞાનને લગતા ઉજવાતા તહેવારો પૈકીનો મુખ્ય તહેવાર છે.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ – ૨૦૨૩’ ઃ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણીના ભાગ રૂપે સંયુક્ત રીતે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ -૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલ વિશે વાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એડવાઇઝર એન્ડ મેમ્બર સેક્રેટરી શ્રી ડો. નરોત્તમ શાહુએ કહ્યું કે, સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ – ૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલમાં દરરોજ અંદાજિત ૨૦ હજાર સ્ટુડન્ટ્‌સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી ૮ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ ૩-ડી રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે ૩૩ લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

શ્રી ડો. નરોત્તમ શાહુએ કહ્યું કે, ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇનોવેશનના પ્રચાર-પ્રસાર માટે ખૂબ સારા પ્રમાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સાયન્સ સિટીમાં નેશનલ -ઇન્ટરનેશનલ કક્ષાના સાયન્સ પાર્ક બનાવવાની સાથે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કામ પૂરું થઇ ગયું છે. આ વર્ષે અમે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવા જઇ રહ્યા છીએ. જેમાં સુરત, બરોડા, જામનગર અને જુનાગઢનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.