સરદાર પટેલ સ્ટેડિયમ સહિત નવ હેરિટેજ સ્થળોએ યોગ દિનની ઉજવણી થશે
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી ડો.વિક્રાંત પાંડે જણાવ્યું છે કે, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રિય વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થશે. આ ઉજવણીની સાથે સાથે યોગની પુરાતન વિરાસતને લોકો સુધી લઇ જવા માટે અને યોગને લોકભોગ્ય બનાવવા માટે અમદાવાદ શહેર સાથોસાથ જિલ્લાના નવ જેટલા હેરિટેજ સ્થળ ખાતે પણ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.
અમદાવાદ શહેર અને જીલ્લાના આ સ્થળોમાં ભદ્રકાળી મંદિર પરિસર, સીદી સૈયદની જાળી, કવિ દલપતરામ ચોક (કાલુપુર), કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કાંકરિયા લેક, દાંડી બ્રીજ, સાબરમતી આશ્રમ, લોથલ (તા. ધોળકા), મુનસર તળાવ (વિરમગામ) નો સમાવેશ થાય છે. સરદાર પટેલ સ્ટેડિયમ સાથે આ નવ હેરિટેજ સ્થળોએ યોગ દિનની ઉજવણી સવારે ૬-૦૦ કલાકે થશે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શહેરના નાગરિકો જોડાશે તેમજ તાલુકા મથકે પણ યોગદીનની ઉજવણી કરવામાં આવશે..