સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
સુરત, પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
આગામી મહિલાદિનની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ‘સ્ત્રી સશક્તિકરણ કપ – ૨૦૨૩’ નામક આ ટુર્નામેન્ટ કુલ સાત ટીમો (ચોર્યાસી, પલસાણા, ઉમરપાડા, ચોર્યાસી, ઓલપાડ, મહુવા, કામરેજ) વચ્ચે રમાડવામાં આવી હતી. જેનું ઉદ્દઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા દંડક કિરણભાઈ પટેલનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોનાં અંતે પ્રથમ સેમિફાઇનલ ઓલપાડ અને પલસાણા વચ્ચે રમાઇ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. જયારે બીજી સેમિફાઇનલ મહુવા અને કામરેજ વચ્ચે રમાઇ હતી, જેમાં કામરેજની ટીમ વિજેતા બની હતી.