Western Times News

Gujarati News

Gujaratના મોટા શહેરોમાં કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીંગ સિસ્ટમ (CEMS)નો અમલ કરાશે

Files Photo

હવા પ્રદૂષક પાર્ટીક્યુલેટ મેટરના નિયંત્રણ માટે ‘એમીશન ટ્રેડિંગ સ્કીમ’ થકી માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીંગ સિસ્ટમ (CEMS)ના અમલથી  ઉદ્યોગોનું સેલ્ફ રેગ્યુલાઈઝેશન સુદૃઢ થયું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

હાલ સુરત ખાતે પાયલોટ પ્રોજક્ટ અમલમાં; અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટૂંક સમયમાં અમલ કરાશે

વિધાનસભા ગૃહમાં  વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘એમીશન ટ્રેડિંગ સ્કીમ’ (ETS) અમલમાં મૂકીને પાર્ટીક્યુલેટ મેટરના નિયંત્રણ માટે માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર વિશ્વનું પ્રથમ રાજ્ય છે. હવા પ્રદૂષણ નિયંત્રણ માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ હાલ સુરત જિલ્લામાં અમલીકરણ હેઠળ છે.

મંત્રીશ્રીએ આ યોજનાની વિગતો આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૩ તથા ૨૦૧૯ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત થયેલ સમજૂતી કરાર મુજબ શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટીના સંશોધનકારો તથા J-PALની ટીમના સહયોગથી હાલમાં સુરત ખાતે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.

આ પ્રોજેક્ટથી ‘પોલ્યુટર પે પ્રિન્સિપલ’ના આધારે પાર્ટીક્યુલેટ મેટરનું નિયત માત્રાથી વધુ ઉત્સર્જન કરનારા ઔદ્યોગિક એકમોએ ઓછો ઉત્સર્જન કરનાર ઔદ્યોગિક એકમોપાસેથી પરમિટની ખરીદી કરવી પડે છે. પ્રારંભિક અમલીકરણ અંતર્ગત પ્રથમ તબક્કામાં સુરતના નક્કી કરાયેલા ૧૫૫ ઉદ્યોગોમાં વર્ષ ૨૦૧૯થી શરૂઆત કરવામાં આવી હતી.

જ્યારે  વર્ષ ૨૦૨૨ના અંતમાં બીજા તબક્કા અંતર્ગત અન્ય ૧૪૫ ઉદ્યોગોનો સમાવેશ કરાયો છે. આ યોજનાના પ્રાયોગિક અભ્યાસ તારણ મુજબ, આ યોજનાના અમલીકરણ કરનાર ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગો કરતાં ૨૦ ટકા જેટલો પાર્ટીક્યુલેટ મેટરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

મંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘એમીશન ટ્રેડિંગ યોજના’ થકી કન્ટીન્યુસ એડમિશન મોનિટરિંગ સિસ્ટમ(CEMS)ના કારણે ઉદ્યોગમાં સેલ્ફ રેગ્યુલાઈઝેશન વધુ સુદૃઢ થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમજ CEMSના અમલ થકી ઉદ્યોગોને ઓછા ખર્ચે હવા પ્રદુષણ(પાર્ટીક્યુલેટ મેટર)ના નિયંત્રણ મદદ મળી છે.

મંત્રીશ્રીએ સુરતમાં પહેલો પ્રોજેક્ટના સફળ પરિણામોને ધ્યાને લઈ અમદાવાદમાં બે તબક્કામાં આશરે ૨૦૩ જેટલા ઉદ્યોગોમાં આ પાયલોટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું નક્કી કરાયું છે, જેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. અમદાવાદમાં પ્રથમ તબક્કામાં વટવા, નારોલ અને સાણંદ જીઆઈડીસીના ૧૨૦ ઉદ્યોગોનો સમાવેશ કરાયો છે,

જે પૈકી ૧૧૨ ઉદ્યોગોમાં કન્ટીન્યુસ એડમિશન મોનિટરિંગ સિસ્ટમ(CEMS) લગાવવામાં આવી છે અને તેની કેલિબ્રેશનની કામગીરી પ્રગતિમાં છે. બીજા તબક્કામાં અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા ઔદ્યોગિક વસાહતો અને અમદાવાદ શહેરમાં આવેલા અન્ય ૮૩ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે.

આ સિવાય રાજકોટ, વડોદરા જેવી રાજ્યની મોટી ઔદ્યોગિક વસાહતોમાં પણ નજીકના ભવિષ્યમાં અમલીકરણ કરવામાં આવશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.