નિત્યાનંદ આશ્રમમાંથી મળેલા લોકરને ગેસ કટરથી તોડ્યું
અમદાવાદ: શહેરના ગ્રામ્ય વિસ્તારના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે બે આરોપી સાધિકાઓની ધરપકડ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પ્રાણ પ્રિયાના રૂમમાંથી એક ડિઝિટલ લોકર મળી આવ્યું હતું. આ લોકરનો પાસવર્ડ પૂછતા બંને આરોપીઓ સાચો પાસવર્ડ જણાવતા ન હતા. જેથી પોલીસે એફએસએલની મદદ લીધી હતી પણ તેમ છતાં લોકર ખુલ્યું ન હતું.
જેથી પોલીસે આજે આ લોકર કટરથી કાપીને તોડ્યું. લોકરમાંથી ૬ મોબાઈલ અને ઇમિટેશન જવેલરી, તથા રોકડા ૧૧૯૬ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે જે લોકો આશ્રમમાંથી ગયા હોય એના આ મોબાઈલ હતા. તો આ લોકર તોડતી વખતે વિડીયોગ્રાફી પણ કરાઇ હતી.
સાથે સાથે રાઉટર અને ૧૧૯૬ રૂપિયા મળ્યા હતા. આ છ ફોનમાંથી એક ફોન ચાલુ હોવાથી પોલીસે તે સીઝ કરી તે ફોનથી વોટ્સએપ પરથી કે અન્ય કોઈ માધ્યમ થી વાત થઈ તે બાબતે તપાસ કરવા તેને એફએસએલમાં મોકલવાની તજવિજ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યના ડી.વાય.એસ.પી કે. ટી. કામરિયાએ જણાવ્યું કે પોલીસને શંકા હતી કે તેમાં કોઇ હિસાબી પુરાવા કે એકાઉન્ટને લગતી માહિતી મળશે તેવી પોલીસને આશા હતી પણ એવુ કાઈ મળ્યું નહિ. માત્ર એક ચિઠ્ઠી મળી જો કે તેમાં પણ કંઈ શંકાસ્પદ મુદ્દા ન મળ્યા. ત્યારે આવતીકાલે બંને આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થશે અને કોર્ટમાં રજૂ કરાશે. જો તપાસ બાકી હશે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે.