ક્લીન અમદાવાદઃ હવે મોટી સોસાયટી-ફ્લેટને પણ ક્ચરાની હાથલારી અપાશે
વધુને વધુ લોકો સૂકો અને ભીનો ક્ચરો અલગ અલગ કરી ક્ચરાગાડીને આપે તે માટે ૧૦ હજાર લારી ખરીદાશે
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાના આયોજનના ભાગરૂપે તાજેતરમાં કચરાના સેગ્રિગેશન માટે ત્રણ દિવસ ટ્રીગર ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં તંત્રના ૨૦ હજાર અધિકારી-કર્મચારી વગેરે મેદાનમાં ઊતર્યા હતા. ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકો ઘરના કચરાને સૂકો અને ભીનો એમ અલગ તારવીને જુદા જુદા ડસ્ટબિનમાં નાખે તે માટે શાસકો દ્વારા શહેરમાં ૨૦ લાખ જેટલા દસ લિટરનાં ડસ્ટબિનનું પણ મફતમાં વિતરણ કરાયું છે અને હવે મોટી સોસાયટી અને ફ્લેટ વિસ્તારમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી મફતમાં આપવાની દિશામાં શાસકો દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આ હાથલારીથી કચરાના સેગ્રિગેશનની તંત્રની ઝુંબેશને ભારે વેગ મળશે.
મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસનના આદેશના પગલે તા.૨ માર્ચથી શહેરમાં સતત ત્રણ દિવસ માટે ક્ચરાના સેગ્રિગેશન માટે ખાસ મહાઅભિયાન હાથ ધરાયું છે. આજે આ મહાઅભિયાનનો છેલ્લો દિવસ છે. તંત્ર દ્વારા ક્ચરાના સેગ્રિગેશનની ટ્રીગર ઇવેન્ટ કહો કે મહાઅભિયાન ગણો પણ તે અંતર્ગત હજારો ગૃહિણીઓને ક્ચરાગાડીને સૂકો અને ભીનો ક્ચરો અલગ કરીને આપવાની સમજ અપાઈ ચૂકી છે. મ્યુનિ.બગીચાઓમાં જાેગિંગ કરવા કે કસરત કરવા આવતા નાગરિકો, મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થળો, શાકમાર્કેટ, ખાણી-પીણી એકમો, હોટલ-રેસ્ટોરાંમાં જઇને પણ મ્યુનિ.સત્તાવાળાઓ લોકોને ક્ચરાના સેગ્રિગેશન માટે જાગૃત કરી રહ્યા છે.
મોડી સાંજના સાત વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી શહેરની મોટી સોસાયટીઓ અને ફ્લેટોમાં રહેતા સભ્યો અને સેક્રેટરી-ચેરમેન સાથે મહાઅભિયાન હેઠળ સમૂહ મિટિંગ યોજાઈ રહી છે. આમ, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસનના ઝીરો વેસ્ટ સિટીના ધ્યેયને સાકાર કરવા માટે મ્યુનિ.તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. અગાઉ પણ ક્ચરાના સેગ્રિગેશન માટેની ટ્રીગર ઇવેન્ટ શહેરમાં સફળતાપૂર્વક તંત્ર યોજી ચૂક્યું છે અને હાલની ટ્રીગર ઇવેન્ટમાં પણ લોકો ઉત્સાહપૂર્વક જાેડાઈ રહ્યા છે. શહેરીજનોએ પણ સ્વચ્છ રહો, સ્વસ્થ રહો એ મંત્ર સાકાર કરવા માટે ક્ચરાના સેગ્રિગેશનને ખાસ મહત્વ આપવું પડશે.
શહેરના ભાજપના શાસકોએ આ બાબતે ખાસ મહત્ત્વ આપ્યું હોઈ નાગરિકોને દસ લિટર ક્ષમતાનાં ભૂરા અને લીલા રંગના બે ડસ્ટબિન મફતમાં આપવા લીધાં હતાં.
માત્ર દસ મહિનામાં શહેરીજનોમાં ૨૦ લાખ જેટલાં ડસ્ટબિનનું વિતરણ થઇ ચૂક્યું છે. શાસક ભાજપ દ્વારા ગત બજેટમાં ઘરે ઘરે ડસ્ટબિન મફતમાં ફાળવવાની જાહેરાત કરાઈ હતી, જે મુજબ લાખો નાગરિકોને ઘરદીઠ બે-બે ડસ્ટબિનનો લાભ મળી ચૂક્યો છે.
તંત્રના ડસ્ટબિન વિતરણના સત્તાવાર આંકડાને તપાસતાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૪.૯૮ લાખથી વધુ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩.૧૩ લાખથી વધુ, પશ્ચિમ ઝોનમાં ૨.૮૧ લાખથી વધુ, દક્ષિણ ઝોનમાં ૨.૭૯ લાખથી વધુ, ઉત્તર ઝોનમાં ૨.૬૧ લાખથી વધુ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧.૬૪ લાખથી વધુ અને મધ્ય ઝોનમાં ૧.૯૬ લાખથી વધુ ડસ્ટબિન નાગરિકોને મળી ચૂક્યાં છે. નાગિરકોમાં બે-બે ડસ્ટબિનના મફત વિતરણ પાછળ મ્યુનિ.તિજાેરીમાંથી રૂ.૨૫ કરોડ ખર્ચાયા છે.
હવે ભાજપના શાસકો ક્ચરાના સેગ્રિગેશનને વધુ યશસ્વી બનાવવા માટે શહેરની મોટી સોસાયટી અને ફ્લેટ વિસ્તારમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી મફતમાં ફાળવવા જઈ રહ્યા છે. જૂના બજેટના આ કામને આગળ વધારવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં હોય તંત્ર દ્વારા આ માટેનો વર્કઓર્ડર પણ કોન્ટ્રાક્ટરને અપાઇ ગયો છે.