PMJAY: અમરેલીમાં ૪૯ હજાર જેટલા લાભાર્થીઓને ૧૪૫ કરોડથી વધુની સહાય અપાઈ
મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં કુલ ૫.૦૪ લાખ જેટલા નવા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરાયાં
બનાસકાંઠાના ૮૮૦ જ્યારે દાહોદ જિલ્લાના ૫૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તબદીલ કરાયાં
રાજ્યમાં PMJAY યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં અમરેલી જિલ્લાના કુલ 48,948 લાભાર્થીઓને કુલ રૂ. ૧,૪૫,૩૬,૦૩,૫૭૧/-ની આરોગ્ય સહાય આપવામાં આવી હતી.
જ્યારે તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં કુલ ૫,૦૩,૯૪૬ લાભાર્થીઓને નવા અયુંષ્માન કાર્ડ આપવામાં આવ્યાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.
આ જ રીતે બનાસકાંઠામાં કુલ ૮૮૦ જ્યારે દાહોદ જિલ્લામાં ૫૧૧ જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યાં છે.
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય’ના સૂત્રને સાર્થક કરતાં, પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્ય માટે ‘મા વાત્સલ્ય-મુખ્યમંત્રી અમૃતમ’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેને હાલ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લઈ, જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવે છે.
દરમિયાન, આજે વિધાનસભા ગૃહમાં આ અંગે પૂછાયેલા પ્રશ્નની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે મુજબ અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં ૧૭,૬૧૪ લાભાર્થીઓને રૂ. ૫૫,૬૦,૦૬,૫૯૮/-ની જ્યારે વર્ષ ૨૦૨૨માં ૨૮,૩૩૪ લાભાર્થીઓને ૮૯,૭૫,૯૬,૯૭૩/-જેટલી રકમની સહાય મંજૂર કરવામાં આવી હતી.
બીજી તરફ, મહેસાણા જિલ્લામાં PMJAY યોજના હેઠળ વર્ષ ૨૦૨૧માં કુલ ૨,૬૬,૭૫૦ તથા વર્ષ ૨૦૨૨માં ૨,૩૭,૧૯૬ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને તેમની બીમારીઓના નિદાન માટે વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યા છે.
જેથી તેમને સરળતાથી નિદાન-સારવાર મળી રહે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૭૫૯ સબ સેન્ટરો અને ૧૨૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જ્યારે દાહોદ જિલ્લામાં ૪૧૪ સબ સેન્ટરો અને ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તબદીલ કરી કાર્યરત કરવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરાઈ હતી.