હોલિકાદહનમાં જ વરસાદ વિઘ્ન બન્યો: વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાયો
કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવેલી હતી ત્યાં પવન ફૂંકાતા સળગતા કોલસા ઉડ્યા હતા.
અમદાવાદમાં હોલિકા દહનના એક કલાક પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.
લાઈટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઈડમાં થોડી જ વાર ઊભા રહી જવાની ફરજ પડી હતી. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું.
વડોદરા શહરેના વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને પવન ફૂંકાતા જુદાજુદા ત્રણ વિસ્તારોમાં ઝાડ પડ્યાનો બનાવો બન્યા હતા. હોળી પ્રગટાવવાને માંડ બે કલાક જેટલો સમય રહ્યો હતો ત્યાં જ વડોદરા શહેરના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો.
સાંજે જાેરદાર પવન ફૂંકાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ શહેરના વાઘોડિયા રોડ, લહેરીપુરા પદ્યામતી શોપિંગ સેન્ટર પાસે અને રાજમહેલ રોડ વિજય ફરસાણની દુકાન પાસે ઝાડ પડ્યાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા.
એક તરફ ખરા ઉનાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ હવામાન પલટાયું છે. જેના કારણે ઘઉં, ચણા અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઇ રહી છે.