લેન્ડ ફોર જાેબ સ્કેમમાં લાલુની પુત્રીઓને ત્યાં ઈડીના દરોડા
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ આજે લેન્ડ ફોર જાેબ સ્કેમ(જમીનના બદલે નોકરી કૌભાંડ) મામલે મોટી કાર્યવાહી કરી હતી. ઇડીએ દિલ્હી, બિહાર અને યુપીની ૧૫ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મહત્વની વાત એ છે કે આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના સ્થળો પર પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી અને ઈડીની ટીમે શુક્રવારે પટનામાં પૂર્વ રાજદના એમએલએ અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. અબુ દોજાના વ્યવસાયે બિલ્ડર છે. ઉલ્લેખનીય છે કે લાલુ યાદવના પરિવારની આ કૌભાંડ મામલે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.
અગાઉ સીબીઆઈએ સોમવારે પટણામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કરી હતી અને પછી બીજા દિવસે સીબીઆઈની ટીમ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે પહોંચી હતી જ્યાં સીબીઆઈએ લાલુ યાદવની કલાકો સુધી પૂછપરછ કરી હતી. લાલુ યાદવ હાલ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે રોકાયા છે. લાલુ યાદવની ત્રણ દીકરીઓને ત્યાં આ રેડ પડી છે. જેમાં હેમા, રાગિની અને ચંદાનો સમાવેશ થાય છે. અહીં હાલ ઈડીની ટીમ હાજર છે. સૂત્રોના અહેવાલ અનુસાર બિહારના ઉપમુખ્યમંત્રી અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવના દિલ્હીના નિવાસે પણ ઈડીના દરોડા પડ્યા છે.
આ મામલો લાલુ પ્રસાદના ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે રેલવેમંત્રી રહેવા દરમિયાન પરિવારને ભેટમાં જમીનો આપી કે જમીન વેચવાના બદલામાં રેલવેમાં કથિતરૂપે ગ્રૂપ ડીની નોકરી આપવા સંબંધિત છે. એફઆઈઆરમાં આરોપ છે કે અમુક લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં રેલવેના વિવિધ વિભાગોમાં ૨૦૦૪-૨૦૦૯ દરમિયાન ગ્રૂપ ડીના પદો પર નિમણૂક અપાઈ હતી. તેના બદલામાં એ લોકોએ કે તેમના પરિવારના સભ્યોએ લાલુ યાદવ અને એ.કે.ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના નામે જમીનો આપી હતી. પછીથી આ કંપનીની માલિકી લાલુના પરિવારના સભ્યોએ હાથમાં લઈ લીધી હતી. SS2.PG