ડેપ્યૂટી કલેકટરની ગાડીમાં થઈ રહી હતી વિદેશી દારૂની હેરાફેરી
(એજન્સી)સુરત, પોલીસ વિભાગ હોય કે પછી અન્ય સરકારી વિભાગમાં આઉટસોર્સના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી કરવામાં આવે છે. હાલ પણ અલગ અલગ વિભાગોમાં આ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
ત્યારે સુરતમાં ડેપ્યૂટી કલેકટરની સરકારી ગાડી પર આઉટસોર્સના ડ્રાયવર તરીકે ફરજ બજાવતો કર્મચારી સહિત ત્રણ શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. સૌથી મહત્વની વાત સામે આવી છે કે, દારૂની હેરાફેરી અન્ય કોઈ વાહનમાં નહીં પરંતુ ક્લાસ વન અધિકારીની સરકારી ગાડીમાં જ કરવામાં આવતી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતની રાંદેર પોલીસે ક્લાસવન અધિકારીની ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આઉટસોર્સના ડ્રાયવર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાંથી ક્લાસ વન અધિકારીની સરકારી ગાડી સહિત અન્ય એક ફોર વ્હીલ કાર ઝડપી પાડી હતી. સરકારી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.