Western Times News

Gujarati News

ભારતીય સંસ્કૃતિના બેજોડ ગ્રંથ એવા વેદોના જ્ઞાનામૃતથી સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિને નવી ઊંચાઈ મળી છે : મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરામાં શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સહયોગથી યોજાયેલ અખિલ ભારતીય ચતુર્વેદ મહા સંમેલનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિને નવી ઊંચાઈ મળી છે. તેમના પ્રયાસોથી દેશની પ્રાચીન આઘ્યાત્મિકતાની ચેતના પ્રગટી છે. ભારતીય સંસ્કૃતિના બેજોડ ગ્રંથ એવા વેદોના જ્ઞાનામૃતથી સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વેદોને વિશ્વના વિદ્વાનો પણ સારી રીતે સમજ્યા છે અને એટલે સમગ્ર દુનિયા ભારત સામે જુએ છે. ૨૧ મી સદીમાં સમગ્ર રાષ્ટ્રના ઉત્થાન માટે જનશક્તિ સાથે આઘ્યાત્મિક ચેતના જોડી તેને વધુ પ્રજ્જવલિત કરી છે. તેમાં વડોદરામાં યોજાઇ રહેલું ચતુર્વેદ મહા સંમેલન ઉદ્દીપકનું કાર્ય કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરામાં શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સહયોગથી યોજાયેલ અખિલ ભારતીય ચતુર્વેદ મહા સંમેલનનો દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વેદ, વેદ વિજ્ઞાન, ધર્મ અને ધાર્મિક સંસ્કૃતિ સાથે યુવાનો જોડાયેલા રહે તે જરૂરી છે. માં ભારતીની સર્વોનો સમાવેશ કરી સનાતન સંસ્કૃતિ વ્યાપક બનશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવા દાયિત્વ સાંભળ્યું છે ત્યારથી દેશભરમાં સાંસ્કૃતિક લહેર ઊઠી છે. તેમના કુશાગ્ર નેતૃત્વમાં સનાતન સંસ્કૃતિનું નવજાગરણ થઈ રહ્યું છે. સર્વના કલ્યાણની ભાવના ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને જનસેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પ્રતિબદ્ધતા તેમણે અંતે વ્યક્ત કરી હતી.

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે,વેદ ભારતીય સંસ્કૃતિના પોષક છે. વેદને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. વેદ શાસ્ત્ર બ્રહ્માંડને જાણવાનો માર્ગ છે એટલે વેદ સ્વતંત્ર પ્રમાણ છે.

કૃષ્ણકાંત પુરાણીએ જણાવ્યું કે વેદ માત્ર  જ્ઞાનનો નહિ પરંતુ વિજ્ઞાનનો પણ ભંડાર છે. તેમણે ચાર વેદોની મહત્તા સમજાવી હતી. પ્રારંભમાં શ્રી પુરૂષોત્તમ મુરજાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી મુળુભાઈ બેરા, મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણ શુકલા, મેયરશ્રી નિલેશ રાઠોડ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, કેયુર રોકડીયા, અગ્રણીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સમગ્ર દેશના વેદજ્ઞો, અગ્રણીઓ, પદાધિકારીઓ, સંતગણ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.