Western Times News

Gujarati News

બન્નીમાં લોકો અને પશુઓ એક જ હવાડામાં પાણી પીવા મજબૂર

પ્રતિકાત્મક

શેરવો ગામના સંપથી આવતું ખારું પાણી આ માલધારીઓ તેમજ તેમના પશુઓ માટે એકમાત્ર વિકલ્પ છે

અમદાવાદ, કચ્છના સુપ્રસિદ્ધ સફેદ રણ મધ્યે યોજાતો રણોત્સવ બે અઠવાડિયા પૂર્વે જ રંગેચંગે સમાપ્ત થયો હતો. ત્યારે આ સફેદ રણથી થોડા કિલોમીટર દૂર આવેલા બન્નીના આ ગામડાઓ દર વર્ષની જેમ ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં મારી રહ્યા છે. Banni:people and animals are forced to drink water from the same water

બન્ની વિસ્તારના નાના સરાડો જૂથ ગ્રામ પંચાયતમાં આવતા નાના સરાડો, મોટા સરાડો, રભુ વાંઢ, સાંવલપુર વાંઢ વગેરે ગામોમાં હાલ લોકો પાણીના એકએક ટીપાં માટે તરસી રહ્યા છે. સમગ્ર દિવસમાં માત્ર એક કલાક જ આ ગામોના ટાંકામાં પાણી આવે છે જેને થાય એટલું ભેગું કરી લેવા ગામની મહિલાઓ હેલ, હાંઢો અને ગાગર લઈ ટાંકા ઉપર પડાપડી કરતી નજરે પડે છે.

આ જ મહિલાઓમાંથી એક છે જીજાબાઇ જે પોતાની કેળ પર એક બાજુ નાનો બાળક અને બીજી બાજુ હેલ લઈ રોજ પાણી ભરવા જાય છે. સમગ્ર બન્ની વિસ્તારમાં સૌથી મોટું પશુધન આ નાના સરાડો જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે. ૧૦ હજાર જેટલી માનવ વસતી અહીં ૩૦ હજાર કરતાં વધારે પશુઓનો નિભાવ કરે છે. જે પશુઓથી તેમના જીવનનો ગુજારો થાય છે તેમને તરસ્યા જાેઈ આ માલધારીઓને કોળિયો પણ ગળા નીચે નથી ઉતરતો.

શેરવો ગામના સંપથી આવતું ખારું પાણી આ માલધારીઓ તેમજ તેમના પશુઓ માટે એકમાત્ર વિકલ્પ છે. છ કિલોમીટર દૂરથી આવતું ખારું પાણી ધીમી ધારે જ્યારે ગામોના અવાડામાં પડે ત્યારે અહીંના પશુઓ તેમાંથી પાણી પી પોતાની તરસને અધૂરો સંતોષ આપે છે. તો ગામની મહિલાઓ પણ આ જ અવાડામાંથી પાણી ભરે છે જે તેમના પરિવારો પીવા તેમજ ઘરવપરાશ માટે વાપરે છે.

ગત વર્ષે કચ્છની એક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે લાઇવ જાેડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ની વિસ્તારના માલધારીઓ માટે ચિંતા વ્યક્ત કરી તેમને ઉનાળા સમયે હિજરત ન કરવા અપીલ કરી હતી, પરંતુ પાણી માટે વલખાં મારતા આ ગામો તો ખારા પાણી માટે પણ તરસે છે.

આ ગામોને નર્મદાનો પાણી પહોંચાડવા ભિરંડીયારા ગામથી શેરવો ગામના સંપ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી આ ગામોએ નર્મદાનો મીઠો પાણી ચાખ્યો નથી. રણના ધોમધખતા તાપમાં ધૂળની ડમરીઓ વચ્ચે રઝળતા આ માલધારીઓ અને પશુઓ ચાતક નજરે રાહ જાેઇ રહ્યા છે કે ક્યારે તેમને મા નર્મદાના દર્શન થશે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.