Western Times News

Gujarati News

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી 

છેલ્લા બે વર્ષમાં વલસાડમાં ૩૨, દાહોદમાં ૨૦ તથા ખેડામાં ૪૨ નવા ફીડરોનું નિર્માણ કરાયું

હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. Government plans to provide daytime electricity to all farmers in the state in next two years: Energy Minister

ફીડરનું વિભાજન કરવાની જરૂર ક્યારે પડે છે અને ફીડરનું વિભાજન કઈ કઈ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે ૬૬ કેવી સબ સ્ટેશનથી વીજ ગ્રાહકના સ્થળ-વિસ્તાર પાસે ઊભા કરવામાં આવેલ

ટ્રાન્સફોર્મર સુધી વીજ પુરવઠો આપવા માટે ઊભી કરવામાં આવતી ૧૧ કેવી ભારે દબાણની વીજ લાઇનને ફીડર કહેવામા આવે છે. જ્યારે ૧૧ કેવી ફીડર પર ફીડરની લોડ વહન કરવાની ક્ષમતા કરતાં લોડ વધે ત્યારે અથવા જ્યારે નવા વીજ ગ્રાહકોને વીજ પુરવઠો આપવા ઊભી કરવાની થતી વીજ લાઇનને કારણે ફીડરની લંબાઈ વધવા પામે છે

અને ફીડરની લંબાઈ વધવાને કારણે ફીડરના છેલ્લે આવેલા ગ્રાહકને પૂરતા વોલ્ટેજ ન મળે ત્યારે ફીડરનું વિભાજન કરવાની જરૂર પડે છે. વધુમાં કોઈ પણ ફીડરનું વોલ્ટેજ રેગ્યુલેશન ૯ ટકા હોવું જોઈએ એટલે કે તે ફીડરના છેવાડે આવેલ વીજ ગ્રાહકને મળવા પાત્ર વોલ્ટેજથી ૯ ટકાથી ઓછા વોલ્ટેજ મળે ત્યારે ફીડરનું વિભાજન કરવામાં આવે છે.

સરકાર દ્વારા સાગરખેડુ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના – ૨ તથા સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ (એસ.આઈ.) યોજના અંતર્ગત  ફીડરનું વિભાજન કરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૨ અંતિત છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં નવી ફીડરના નિર્માણ અંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ તથા વાપી તાલુકાઓમાં રૂ. ૪૯૫.૪૦ લાખના ખર્ચે કુલ ૨૩ ફીડરો તથા વર્ષ ૨૦૨૨માં ઉમરગામ, કપરાડા, ધરમપુર તથા વલસાડ તાલુકાઓમાં રૂ. ૧૬૧.૯૯ લાખના ખર્ચે ૯ ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આમ, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં રૂ. ૬૫૭.૩૯ લાખના ખર્ચે ૩૨ નવા ફીડરોનું ઊભા કરવામાં આવ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ના અંતે છેલ્લા બે વર્ષમાં નવા ઊભા કરાયેલા ફીડરો અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં દાહોદ, લીમખેડા, ફતેપુરા, ઝાલોદ, દેવગઢબારિયા, ગરબાડા તથા ધાનપુર તાલુકાઓમાં મળી રૂ. ૧૩૧.૧૧ લાખના ખર્ચે ૧૨ નવા ફીડરો ઊભા કરાયા છે.

જ્યારે વર્ષ ૨૦૨૨માં દાહોદ, ઝાલોદ, ગરબાડા અને ધાનપુર તાલુકાઓમાં રૂ. ૧૩૯.૦૧ લાખના ખર્ચે ૮ નવા ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં નવનિર્મિત ફીડરોના પ્રકારની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતીવાડી માટે ૭, જ્યોતિગ્રામ અંતર્ગત ૧૨ તથા શહેરી વિસ્તારો માટે ૧ એમ કુલ ૪૮.૦૧ કિમીની ભારે દબાણવાળી નવી વીજલાઈન મારફતે રૂ. ૨૦૭.૧૨ લાખના ખર્ચે કુલ ૨૦ નવા ફીડરો ઊભા કરાયા છે.

ખેડા જિલ્લાની વર્ષ ૨૦૨૨ અંતિત છેલ્લા બે વર્ષની ફીડર વિભાજન અને નવા ફીડરોની માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, માતર, ગળતેશ્વર અને મહુધા તાલુકાઓમાં રૂ. ૧૫૦.૮૪ લાખના ખર્ચે ૧૮ નવી ફીડરો ઊભા કરાયા છે.

જ્યારે વર્ષ ૨૦૨૨માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર, વસો, મહેમદાવાદ, ઠાસરા તથા ખેડા તાલુકાઓમાં રૂ. ૨૫૭.૩૩ લાખના ખર્ચે ૨૪ ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આમ, જિલ્લામાં ભારે વીજ દબાણની નવી ૪૨.૭૧ કિમી વીજલાઈન મારફતે ખેતીવાડી માટે ૨૦, જ્યોતિગ્રામ માટે ૧૬, શહેરી વિસ્તારો માટે ૪ તથા ઉદ્યોગો માટે ૨ એમ મળી રૂ. ૪૦૮.૧૭ લાખના ખર્ચે કુલ ૪૨ નવા ફીડરો ઊભા કરવામાં આવ્યા હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.