મેડિકલ કોલેજોમાં વર્ગ -૧ની ડોક્ટરોની જગ્યાઓ ૨૦૨૪ સુધીમાં ભરવાનું આયોજન: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની મેડિકલ કોલેજોમાં વર્ગ -૧ની ડોક્ટરોની જગ્યાઓ ૨૦૨૪ સુધીમાં ભરી દેવાનું આયોજન છે. આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ગ- ૧ થી વર્ગ -૪ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત જાહેર સેવા પસંદગી સેવા મંડળને માગણાં પત્રથી ભરતી પ્રક્રિયા માટે આપવામાં આવી છે.
એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર ખાતે મંજૂર જગ્યાઓમાંથી ખાલી જગ્યાઓ તેમજ એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલ્મોલોજી, અમદાવાદ ખાતે મંજૂર જગ્યાઓમાંથી ખાલી જગ્યા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, એમ.પી. શાહ મેડિકલ કોલેજ,
જામનગર ખાતે તા.૩૧-૧૨-૨૨ની સ્થિતિએ ૭૧૮ જગ્યાઓ મંજૂર જગ્યાઓ સામે ૫૧૮ જગ્યાઓ ભરવામાં આવી છે ખાલી ૨૦૦ જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલુ છે, તેમજ એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલ્મોલોજી, અમદાવાદની ૪૩૧ મંજૂર જગ્યા સામે ૩૭૬ જગ્યાઓ ભરાયેલ છે. ૫૫ ખાલી જગ્યાઓ માટે માટે પ્રક્રિયા ચાલુ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળને ખાલી જગ્યા ભરવા માંગણી પત્રક આપવામાં આવેલ છે. સાથો સાથ વોક ઈન ઇન્ટરવ્યૂ, ૧૧ માસના કરાર આધારિત પ્રક્રિયાથી પણ જગ્યાઓ ભરવામાં આવે છે. જગ્યાઓ ખાલી રહેવા અંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે નિવૃત્તિ તેમજ લાયક ઉમેદવારો ન મળવાને કારણે જગ્યાઓ ખાલી રહેવા પામે છે.