ભારતમાં બીજે ક્યાંય જોવા ન મળે તેવી શાર્ક જોવી હોય તો પહોંચી જાવ સાયન્સ સીટી
ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં 6 ફૂટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ કરવામાં આવ્યો-એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળતી લેમન શાર્ક ભારતમાં માત્ર ગુજરાત સાયન્સ સિટી ખાતે જોવા મળશે
અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં 6 ફૂટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્ક એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં જોવા મળશે.
આ શાર્કની ઓળખ તેના લીલાશ પડતા પીળા રંગની હોવાથી તેને લેમન શાર્ક તરીકે ઓળખવામાં આવે છે. તે અન્ય શાર્કની સરખામણીએ સ્વભાવે શાંત હોય છે. આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળે છે અને તેનું વજન 250 કિલોગ્રામ જેટલું હોઇ શકે છે.
આ શાર્ક આવનારા સમયમાં આઠથી દસ ફૂટ સુધી મોટી થશે. ભારતમાં આ પ્રજાતિની શાર્ક માત્ર ગુજરાત સાયન્સ સૃટી ખાતે જ જોવા મળી શકશે.
આ અંગે સાયન્સ સિટીના ડૉ. વ્રજેશ પરીખ જણાવે છે કે, એકવેટિક ગેલેરીને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે માટે અમે લેમન શાર્ક લાવવાનું વિચાર્યું જે ફક્ત એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળે છે. જેથી કરીને મુલાકાતીઓ માટે લેમન શાર્ક આકર્ષણનું કેન્દ્ર બની રહે. આ ઉપરાંત અમે આવનારા દિવસોમાં વિવિધ જળચર પ્રજાતિઓ પણ લાવીશું અને તેના વિશે મુલાકાતીઓને જાણકારી મળી રહે તેવું આયોજન કરીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા શાર્ક વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓ યોજવામાં આવશે.
સાયન્સ સિટી ખાતેની એકવેટિક ગેલેરીમાં 181 પ્રકારના જળચર જીવો જોવા મળે છે, જેમાં આફ્રિકન પેંગ્વિનનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સર્વશ્રેષ્ઠ એકવેટિક ગેલેરી આવેલી છે. આ ગેલેરી 15,000 સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલ છે. જે 28 મીટર લાંબી વોક-વે ટનલ છે.
અહીંયા આવેલ પ્રવાસીઓને આ ગેલેરી દરિયાઈ જીવસૃષ્ટિ અને જળજીવોને જાણવા તથા માણવાની તક આપે છે. આ માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાના ટોચના એકવેરિયમો માનું એક છે.
સાયન્સ સિટી સ્થિત આ એકવેટિક ગેલેરીમાં 72 નિદર્શન ટેન્ક આવેલી છે. જેમાં નાનામાં નાનીથી માંડી વિશાળ સાઇઝ સુધીની આ ટેન્કોમાં વિશ્વભરની વિવિધ જળચર પ્રજાતિઓનો સમાવેશ કરેલ છે. અહીંયા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ 181 જેટલી જળ પ્રજાતિઓનું નિદર્શન કરી શકે છે.
જેમાં ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન અને વિશ્વની અન્ય જળચર પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ ગેલેરીમાં બાળકો અને મોટાઓ માટે સ્પર્શ કરીને અનુભવ મેળવી શકે તે માટે ટચ પુલ્સ પણ રાખવામાં આવ્યા છે.