અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ RO પ્લાન્ટના વેસ્ટ વોટરમાંથી બનાવ્યો ફળોનો બગીચો
આંતરરાષ્ટ્રીય જળ દિવસ -૨૦૨૩ : દિવસના ૨૫૦૦ લીટર R.O પ્લાન્ટના વહેતા વેસ્ટ પાણીનું પાઇપ સાથે જોડાણ કરીને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ફ્રૂટ બગીચાનું નિર્માણ
અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.જેમાં તેઓએ શાળાના R.O પ્લાન્ટના વહેતા વેસ્ટ વોટરમાંથી શાળામાં ફળોનો બગીચો તૈયાર કર્યો છે.
કેન્દ્રીય વિદ્યાલયના (Kendriya Vidyalaya) આચાર્ય શ્રી અવિજીત પાંડા આ બાબતે જણાવે છે કે, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા R.O પ્લાન્ટના ૨૫૦૦ લીટર રોજના વહેતા વેસ્ટ પાણીનો સદુપયોગ કરવામાં આવ્યો છે,
વિદ્યાર્થીઓ દ્વારા જમીનમાં પાઇપ લગાવી તેને ટાંકી સાથે જોડી વહેતા પાણીનો બચાવ કરી સંગ્રહ કરવામાં આવે છે, અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી વાવેલા વૃક્ષો અને છોડ પર સંગ્રહિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેના થકી આજે શાળામાં ફ્રૂટ બગીચાનું નિર્માણ સર્જાયું છે.
વિદ્યાર્થીઓ દ્વારા બગીચામાં કેળા, આંબો, જાંબુ, દાડમ, લીંબુ, ટામેટા, ચીકુ, આંબળા, બદામ, પપૈયા, ચેરી, પાઈનેપલ, કીવી, કમલમ,બેલપત્ર, લેમન ટી નાં પાન જેવા કુલ ૯૮ અલગ અલગ ફળ – ફુલ રોપવામાં આવ્યા છે.
આ પ્રકારની કામગીરી વિદ્યાર્થીઓ કરે ત્યારે તેમનામાં વિવિધ વિષયોના જ્ઞાનની સાથે સાથે પ્રકૃતિનાં જ્ઞાનની અભિરુચિ પણ કેળવાય છે અને પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓને જેમ અધ્યાત્મિક અને પ્રાકૃતિક વાતાવરણ માં શિક્ષણ અપાતું હતું, તેમ તેઓ પણ અનુભવ કરી શકે છે અને આપણી સંસ્કૃતિનું જતન કરવા સક્ષમ બને છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણની સાથે અધ્યાત્મિક અને પ્રાકૃતિક જ્ઞાનનું જે સ્વપ્ન જોયું છે, તે સ્વપનને સાકાર કરવા આ શાળાના વિદ્યાર્થીઓ ભાગીદાર બન્યા છે. શાળામાં વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક અને પ્રાકૃતિક જ્ઞાનનો સમન્વય જળવાય તે માટે વિદ્યાર્થીઓ અવનવી પ્રવૃત્તિમય રહી આત્મનિર્ભરના સૂત્રને અપનાવી કાર્ય કરી રહ્યા છે. અને અન્ય શાળાઓને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
-મિતેષ સોલંકી પ્રાદેશિક માહિતી વિભાગ, અમદાવાદ