છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લાની શાળાઓમાં અંદાજિત ૨૭૮૧૯ બાળકો રોગગ્રસ્ત જણાયા
અમદાવાદ જીલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અંદાજિત ૨ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ થઇ – આ બાળકોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવતા સભર સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ દરમિયાન ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ થઈ જેમાં અંદાજિત ૨૭,૮૧૯ બાળકો સારવાર યોગ્ય જણાયા હતા. આ બાળકોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જગ્યા ઉપર સારવાર આપવામાં આવી રહી છે.
વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ દરમિયાન અંદાજિત ૨૭,૮૧૯ બાળકો રોગગ્રસ્ત જણાયા હતા.
આ બાળકોને મુખ્યત્વે પાંડુરોગ આંત્રકૃમિ, દાંત, આંખ, કાન ચામડી , પેટ, શ્વસનતંત્ર હૃદય કિડની અને કેન્સર રોગ હતા.
આ બાળકોના રોગ સારવાર માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. વધુ બીમારી વાળા બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા હોસ્પિટલ ખાતે સેવા આપવામાં આવી તેમજ વધુ જરૂરિયાતવાળા બાળકોને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
આ સાથો સાથ ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્ય સરકાર દ્વારા પણ સારવાર આપવામાં આવી હતી. જેમાં હૃદયની બીમારી વાળા બાળકોને યુ.એન.મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ કેન્સરની બીમારી વાળા બાળકોને એમ.પી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે વિના મૂલ્ય સારવાર આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્યય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧રમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.