‘વંચિતોનો વિકાસ’ એ જ અમારો ધ્યેય મંત્ર: ભાનુબેન બાબરીયા
ગરીબ કલ્યાણ મેળો એટલે જેના હકનુ છે તેને સન્માનજનક રીતે આપવાનો યજ્ઞ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે હાથ ધર્યો
વર્ષ ૨૦૨૩-૨૪ બજેટમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (SCSP) સહિત કુલ રૂા. ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની જોગવાઇ
સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્યની એમ પંચશક્તિ આ સરકારની અગ્રતા છે, જેમાંથી પછાત વર્ગના લોકો, મહિલાઓ અને બાળકો વંચિત ન રહે તેવા નિર્ણયોના અમલીકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.
મંત્રી શ્રીમતી બાબરીયાએ વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, રાષ્ટ્ર્ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વંચિતોના વિકાસના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે ગરીબ પરિવારોને સહાયરૂપ થવા ધ્યાન કેન્દ્રિત કરીને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા અનોખો યજ્ઞ શરૂ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે અમારી સરકારનું ધ્યેય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી અનુસૂચિત જાતિઓ, વિકસતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પ સંખ્યક સમુદાયોના કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકવાનું છે. સાથે, અનાથ, નિ:સહાય અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ પણ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
મંત્રીશ્રી એ કહ્યું કે,વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્ય સરકારે કુલ રૂા. ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે, જેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (SCSP) સહિત કુલ રૂા. ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની જોગવાઇ કરી છે. જે ગત વર્ષ કરતાં રૂા. ૧ હજાર ૯૩૪ કરોડ ૭૫ લાખ (૨૨.૪૩ %) નો વધારો કરાયો છે.
મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં માંગણીઓ રજુ કરી હતી જે મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અંદાજપત્રમાં કુલ રૂા. ૧૦ હજાર ૫૬૭ કરોડ ૪૬ લાખની સૂચિત જોગવાઇમાં સમાવિષ્ટ કુલ ચાર માંગણી પૈકી મુખ્યત્વે ૯૨ સામાજિક સુરક્ષા અને કલ્યાણ હેઠળ રૂા. ૩ હજાર ૮૨૧ કરોડ ૬૮ લાખ અને ૯૫ અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ રૂા.૬ હજાર ૭૩૭ કરોડ ૪ લાખ એમ કુલ રૂા. ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની માંગણીઓનો સમાવેશ થાય છે.
અગામી વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે મંજુર કરેલી નવી જોગવાઈ વિષે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસતી જાતિ કલ્યાણની વિવિધ યોજનાઓનું ઈ-ગ્રામ કેન્દ્ર સાથે જોડાણ કરવા રૂા. ૬૭ લાખની જોગવાઈ કરાઈ છે,
છોટાઉદેપુર, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં નવા ડૉ.આંબેડકર ભવનો બાંધવા માટે રૂા. ૫ કરોડ ૨૨ લાખની જોગવાઈ છે, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેના સરકારી છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓમાં દિવ્યાંગ વિધાર્થીઓ માટે રેમ્પ, લીફટ તથા હેન્ડીકેપ ટોયલેટ બનાવવા માટે બજેટમાં રૂા. ૧ કરોડ ૮ લાખની જોગવાઇ છે.
રાજકોટ ખાતે રૂા. ૬ કરોડના ખર્ચે ધોરણ ૧૧-૧૨ કક્ષાના સરકારી છાત્રાલયનું બાંધકામ કરવા માટે પ્રથમ તબકકે રૂા. ૨ કરોડની જોગવાઇ છે. પાલક માતા-પિતા યોજનામાં માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ પુન:લગ્ન કર્યા હોય તથા બાળક પિતા સાથે ન રહેતું હોય તેવા બાળકોને પણ હવે આ યોજનાનો લાભ આપવા માટે રૂા. ૩ કરોડ ૬૦ લાખની જોગવાઈ છે.
પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનાં લાભાર્થી પૈકીની દિકરીઓ લગ્ન સમયે પોતાના માતા-પિતાની ગેરહાજરી ન અનુભવે અને રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે તેવો વિશ્વાસ સંપાદન કરવા તથા આવી દિકરીઓને પોતાના માતા-પિતા ન હોવાથી તેઓના લગ્ન પછી પોતાનો ઘર-સંસાર ચલાવવા,
જીવન જરૂરી ચીજવસ્તુઓ વસાવવા તેમજ નાની-મોટી રોજગારી થકી આર્થિક રીતે પગભર થઇ શકે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા આ દિકરીઓના લગ્ન સમયે રૂા. ૨ લાખની સહાય આપવાનો અતિ સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેના માટે રૂા. ૨૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
જયારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મોડાસાના નવા મકાન બાંધકામ માટે રૂા. ૨ કરોડ ૬૬ લાખની જોગવાઈ કરવામાં આવી છે. શિશુગૃહ, સુરતની સંસ્થાનાં નવા મકાન બાંધકામ માટે રૂા. ૮૧ લાખની જોગવાઈ અને અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને ધિરાણ કરવા તથા દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળનાં નિગમો માટે રૂા. ૧૬૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સાથે, સમાજના નબળા વર્ગો, જરૂરીયાતમંદો જેવા કે અનાથ, નિરાધાર, બાળકો, દિવ્યાંગો, ટ્રાન્સ જેન્ડર અને વૃદ્ધોને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ આપીને પુન:સ્થાપન માટે વિવિધ રીતે કાર્યરત છે તે માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં વિભાગની ચાલુ યોજનાઓની રકમની ફાળવણીમાં પણ મોટો વધારો કરાયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબો-વંચિતો-પીડિતોના વિકાસને પ્રાધાન્ય આપવા ધોરણ – ૧ થી ૧૦માં અભ્યાસ કરતા અંદાજે અનુસૂચિત જાતિના ૪ લાખ ૯૦ હજાર અને વિકસતી જાતિનાં ૩૫ લાખ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અંદાજે અનુસૂચિત જાતિના ૩ લાખ ૭૫ હજાર અને વિકસતી જાતિનાં ૩૩ લાખ ૨૦ હજાર વિધાર્થીઓને ગણવેશ સહાય આપવા રૂા. ૭૦૯ કરોડ ૭૦ લાખની જોગવાઇ છે.
પીએમ યશસ્વી પ્રિ.મેટ્રીક અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ-૯ થી ૧૦ અને પોસ્ટ મેટ્રીકના અંદાજે ૯ લાખ ૭૫ હજાર વિકસતી જાતિના વિધાર્થીઓને રૂા. ૪ હજાર થી રૂા. ૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે રૂા. ૫૬૧ કરોડ ૫૦ લાખની જોગવાઇ કરાઈ છે.
રાજ્ય સરકારે કન્યા-કેળવણીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગામડાઓમાંથી દૂરથી આવતી, ધોરણ – ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૦ હજાર અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૬૦ હજાર કન્યાઓને સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ વિના મુલ્યે સાયકલ આપવામાં માટે રૂા. ૭૫ કરોડની જોગવાઇ છે.
જયારે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજનામાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિધાર્થીઓને રૂા. ૧૫ લાખની લોન આપવા રૂા. ૮૪ કરોડની જોગવાઇ છે. ડૉ.આંબેડકર આવાસ યોજનામાં અનુસૂચિત જાતિ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકસતી જાતિના લાભાર્થીઓને મકાન બાંધવા માટે સહાય આપવા રૂા. ૨૨૧ કરોડ ૬૯ લાખની જોગવાઇ છે.
કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિની ૮ હજાર ૭૦૦ અને વિકસતી જાતિની ૩૨ હજાર દિકરીઓ મળી કુલ ૪૦ હજાર ૭૦૦ દિકરીઓના મામેરાની સહાય માટે રૂા. ૫૪ કરોડની જોગવાઇ, સમાજમાં સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે શરૂ કરવામાં આવેલ ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૭૫૦ યુગલોને યુગલ દીઠ રૂા. ૨ લાખ ૫૦ હજારની સહાય આપવા માટે રૂા. ૨૦ કરોડની જોગવાઇ છે અને બિન અનામત વર્ગોના વિકાસ માટે રૂા. ૫૦૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યના દિવ્યાંગો વિષે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. સમાજ સુરક્ષા પ્રભાગની જોગવાઈઓમાં સમાજના નબળા વર્ગો તેમજ ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, દિવ્યાંગો,
ટ્રાન્સજેન્ડર અને વૃદ્વો માટે રૂા. ૧ હજાર ૯૮૪ કરોડ ૪ લાખની જોગવાઈ છે. આ પૈકી દિવ્યાંગ વિધાર્થીઓને ધોરણ – ૧ થી ૧૨ અને સ્નાતક, અનુસ્નાતક કક્ષાના તેમજ મેડિકલ, ઇજનેરી અને અન્ય અભ્યાસક્રમો માટે રૂા. ૧ હજાર ૫૦૦ થી રૂા. ૪ હજાર ૫૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે કુલ ૮ હજાર ૫૦૦ લાભાર્થીઓ માટે અંદાજિત રૂા. ૧ કરોડ ૪૫ લાખની જોગવાઈ છે.
દિવ્યાંગો માટેની સંત સુરદાસ યોજનામાં માસિક રૂા. ૧ હજારની સહાય આપવામાં આવે છે. તે હેઠળ કુલ ૨૬ હજાર લાભાર્થીઓને લાભ આપવા માટે રૂા. ૩૧ કરોડ ૨૦ લાખની જોગવાઈ છે. દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરીની યોજના માટે રૂા. ૪૦ કરોડની જોગવાઈ,
રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના હેઠળ કુલ ૯ લાખ ૩૫ હજાર વૃધ્ધોને લાભ આપવા માટે કુલ રૂા. ૧ હજાર ૧૫૧ કરોડ ૩૩ લાખની જોગવાઈ જ્યારે રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધ અને દિવ્યાંગને આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૧ લાખ ૫૫ હજાર વૃદ્ધોને લાભ આપવા માટે કુલ રૂા. ૧૮૯ કરોડ ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ, આર્થિક ૫છાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુકત જાતી માટે હાંસલ કરેલી મહત્વની સિધ્ધિઓની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧ થી ૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂા. ૧ હજાર ૨૦૮ કરોડ ૧૧ લાખની શિષ્યવૃત્તિ ચૂકવાઈ છે,
ધોરણ – ૧ થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂા. ૧ હજાર ૧૪ કરોડ ૨૮ લાખની ગણવેશ સહાય ચૂકવાઈ, ધોરણ- ૯ માં ભણતી ૮ લાખ ૪૫ હજાર કન્યાઓને રૂા. ૩૨૪ કરોડ ૭૨ લાખની વિના મૂલ્યે સાયકલ આપવામાં આવી, આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા ૨ લાખ ૨૨ હજાર વિધાર્થીઓને રૂા. ૧૦૦ કરોડ ૮૬ લાખની શિષ્યવૃત્તિ ચૂકવાઈ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માટે ૨ હજાર ૮૧૧ વિદ્યાર્થીઓને રૂા. ૨૯૧ કરોડ ૬૫ લાખની લોન આપવામાં આવી,
સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માઘ્યમિક શાળામાં અભ્યાસ કરતાં ૭૦ હજાર ૯૦૭ વિદ્યાર્થીઓને રૂા. ૪૮૨ કરોડ ૪૮ લાખનો ખર્ચ કરી વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી, અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં ધોરણ – ૧ થી ૮ માં અભ્યાસ કરતા ૩૯ હજાર ૧૨૫ વિદ્યાર્થીઓને રૂા. ૫૨૮ કરોડ ૩૯ લાખના ખર્ચે વિના મૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધા પૂરી પાડવામાં આવી.
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ- ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂા. ૧૮૯ કરોડ ૬૭ લાખના ખર્ચ કરવામાં આવ્યો. ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ ૫૬ હજાર ૨૦૭ લાભાર્થીઓ અને પંડિત દીનદયાળ ઉપાઘ્યાય આવાસ યોજના અંતર્ગત ૯૭ હજાર ૬૩૪ લાભાર્થીઓને મકાન બાંધવા માટે રૂા. ૮૨૬ કરોડ ૭૫ લાખની સહાય આપવામાં આવી છે.
કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ૧ લાખ ૬૪ હજાર ૨૦૪ કન્યાઓને મામેરા માટે રૂા. ૧૬૭ કરોડ ૪૭ લાખની સહાય અપાઈ, સમુહ લગ્ન યોજના અંતર્ગત ૨૪ હજાર ૯૯૨ યુગલોને રૂા. ૨૮ કરોડ ૫૮ લાખની સહાય, નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થીઓને રૂા. ૪૪૩ કરોડ ૮૨ લાખની સહાય,
રાષ્ટ્રિય વૃધ્ધ પેન્શન (વયવંદના)યોજના હેઠળ લાભાર્થીઓને રૂા. ૩ હજાર ૨૦૭ કરોડ ૯૩ લાખની સહાય, પાલક માતા-પિતા યોજના હેઠળ બાળકોને રૂા. ૨૪૩ કરોડ ૫૭ લાખની સહાય, સંત સુરદાસ યોજના હેઠળ લાભાર્થીઓને રૂા. ૧૧૮ કરોડ ૬ લાખની સહાય અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૭ હજાર ૬૪ લાભાર્થીઓને રૂા. ૩૩ કરોડ ૮૫ લાખની સહાય આપવામાં આવી.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ‘વંચિતોનો વિકાસ’ એવો ધ્યેય મંત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે જેના થકી જન કલ્યાણ લક્ષી યોજનાઓનો અમલ થાય અને તેના મીઠા ફળ સમાજના વંચિત વર્ગો સુધી પહોંચે. જરૂરીયાતમંદ વર્ગને પાયાની આર્થિક સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા પણ શરૂ કર્યા. જેમાં એક જ સ્થાનેથી અનેક લોકો સ્વાવલંબી બની શકે.
મંત્રીશ્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કહે છે કે ગરીબ કલ્યાણ મેળો એટલે જેના હકનું છે તેને સન્માનજનક રીતે આપવાનો યજ્ઞ. આ યજ્ઞની જ્યોત ગરીબો-શ્રમિકો-જરૂરીયાતમંદ પરિવારો સુધી સુપેરે પહોંચે તેની કાળજી પણ રાજ્ય સરકારે લીધી છે અને તેથી રાજ્યમાં ૧૩ તબક્કામાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા રૂા. ૧ કરોડ ૭૦ લાખ જરૂરિયાતમંદ લોકોને રૂા. ૩૫ હજાર કરોડથી વધુની સહાય હાથોહાથ પહોંચાડવામાં આવી છે.