રાહુલ ગાંધીની વાયનાડ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થશે કે નહિં તે વિષે અટકળો
રાહુલ ગાંધીની વાયનાડ બેઠકને ખાલી જાહેર કરવામાં કે પછી તેના પર પેટા ચૂંટણી જાહેર કરવામાં ચૂંટણી પંચ ઉતાવળ કરે તેવી શકયતા નથી. ચૂંટણીપંચને હાલમાં જ બોધપાઠ મળી ગયો જયારે આ વર્ષે જ જાન્યુઆરીમાં લક્ષ્યદ્વીપના સાંસદ ફૈજલને હત્યાના આરોપમાં દોષિત જાહેર કરાયા બાદ લોકસભાનું સભ્યપદેથી પણ દૂર કરાયા
અને ચૂંટણીપંચે પણ વિજળીક ગતિથી પેટાચૂંટણી જાહેર કરી દીધી. પરંતુ કેરળ હાઈકોર્ટે સજાને રદ કરી અને ચૂંટણી પંચે તેનું જાહેરનામું પાછું ખેંચી લેવું પડયું હતું અને એક અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણીપંચને ‘ઝડપ’ કરવા બદલ તેની ટીકા કરી હતી.
નવી દિલ્હી: કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દૂર કરાયા બાદ પણ એક બાદ એક એકશન આવી રહ્યા છે. તા.23 માર્ચ એટલે કે ચૂકાદાના દિવસે જ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સંબંધી આદેશ અમલી બનાવાયા છે.
વાસ્તવમાં કોંગ્રેસના પુર્વ નેતા અને જાણીતા સિનીયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે તે દિવસે જ ઈશારો આપી દીધો હતો કે સુરત કોર્ટના ચૂકાદા સાથે જ રાહુલ ગાંધીનું સભ્યપદ પણ રદ થાય છે અને લોકસભા સચીવાલયે તો ફકત તેનું જાહેરનામુ જ બહાર પાડવાનું હોય છે.
રાહુલ ગાંધીને દોષિત તો જારી કરાયા છે તેની સામે સ્ટે આપ્યો જ ન હતો. ફકત તેઓને 2 વર્ષની જેલ સજાનો જે ચૂકાદો છે તે સસ્પેન્ડ કરાયો હતો અને જામીન અપાયા જેથી રાહુલને તાત્કાલીક જેલમાં જવું પડે નહી. પણ તેમની ‘સજા’ તો છે જ તેથીજ તેમને લોકસભા સભ્યપદેથી દૂર કરવાની ફરજ લોકસભા સચીવાલયે બનાવી છે અને તેમાં તે કાનૂન મુજબ જ નિર્ણય લેવાયો છે.