અમદાવાદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૨૮૭.૬૯ કરોડના ખર્ચે ૨૦૭ રસ્તાનાં કામો મંજૂર કરાયા
બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ
રાજ્યના બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ ૨૦૭ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
લગભગ ૨૪૬ ગામને જોડતા આ ૨૦૭ રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૨૮૭.૬૯ કરોડની અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬-૧૭થી રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યનાં તમામ ગામડાઓને અન્ય શહેરો અને ગામડાઓ સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે માર્ગ નિર્માણ કરવાનો છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા માર્ગને પાકા બનાવવા, રસ્તાને રીસરફેસિંગ કરવા તથા રસ્તાને પહોળા બનાવવા જેવાં કામો હાથ ધરી ગામડાના રસ્તાઓનું શહેરો સાથે જોડાણ કરવામાં આવે છે. જેથી ગામડાઓની આર્થિક અને સામાજિક પ્રગતિ પણ સુનિશ્ચિત કરી શકાય છે અને ગ્રામવિકાસ હાથ ધરી શકાય છે.