ભદ્ર પરિસરમાં રાત્રે લારી અને ગલ્લાનો સામાન ભરીને ઘરે લઇ જવાનું અલ્ટિમેટમ
ભદ્ર પરિસરમાં સફાઇ કરવા માટે મોકળાશ મળતી ન હોવાથી તંત્ર વહેલી સવારે ત્રાટક્યું
અમદાવાદ, શહેરનાં નગરદેવી માતા ભદ્રકાળીના ભદ્રમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરને સાંકળતા ભદ્ર પ્લાઝા પરિસરને મ્યુનિ.તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયો છે.
તંત્ર દ્વારા સમગ્ર પરિસરને જાનદાર અને શાનદાર બનાવવા પાછવ મ્યુનિ.તિજાેરીમાંથી પાણીની જેમ પૈસા ખર્ચ કરાયા છે. જાેકે લોકોને નયનરમ્ય ભદ્ર પ્લાઝાની ભેટ મળી શકી નથી તેની પાછળનાં મુખ્ય કારણો પૈકી ત્યાંના પાથરણાંવાળાનાં દબાણો પણ એક મુખ્ય કારણ છે.
છેલ્લાં કેટલાંય વર્ષાેથી ભદ્ર પ્લાઝા પરિસરનાં દબાણોનો પ્રશ્ન ઉકેલાતો નથી. જેટલા ધંધાર્થીઓને કાયદેસરની છૂટ મળી છે તેના કરતાં અનેક જણાની ત્યાં હાજરી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં વારંવાર દબાણો હટાવો ઝુંબેશ ધરાય છે. જાેકે હવે સત્તાધીશો આકરાં પાણીએ હોઈ તમામ ધંધાર્થીઓને રાતે તેમના લારી-ગલ્લાનો સામાન ભરીને ઘેર લઇ જવાનું એલ્ટિમેટમ અપાયું છે.
સવારના નવ વાગ્યાથી ભદ્ર પ્લાઝા પરિસરમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચનારા ધંધાર્થીઓ તેમનો ત્યાં જ રાખેલો બંધ હાલતનો માલસામાન છોડાવીને રોડ-ફૂટપાથ પરની દુકાનનો ધમધમાટ શરૂ થઇ જાય છે.
સમગ્ર દિવસ દરમિયાન આખું પરિસર ત્યાંના ધંધાર્થીઓ અને ગ્રાહકોથી ગાજતું રહે છે. ભદ્ર બજારના અમદાવાદ ઉપરાંત આસપાસનાં ગામડાંઓના પણ સેંકડો ગ્રાહકો છે. તહેવારોના સમયે તો આ વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી.
લોકોને ઘરઉપયોગી અનેક વસ્તુઓ સારી અને સસ્તા ભાવની ભદ્ર બજારમાં ઉપલબ્ધ થતી હોઈ ત્યાં બારેમાસની ઘરાકી જાેવા મળે છે.
જાેકે કાયદાની રુએ અનેક ધંધાર્થી ગેરકાયદે હોઈ તંત્ર વારંવાર દરોડા પાડીને આ પરિસરના રોડ અને ફૂટપાથને દબામમુક્ત કરે છે. તેમ છતાં તેમાં પણ તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે સતત ઉંદર-બિલાડીની રમત રમાય છે.
આજે સવારના છ વાગ્યાથી મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ભદ્ર પ્લાઝા પરિસરમાં ત્રાટકીને છથી સાત દબાણ ગાડી ભરીને વિવિધ માલસામાન જપ્ત કર્યાે હતો.
આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કહે છે. સવારના નવ વાગ્યાથી અહીંના ધંધાર્થીઓ તેમના વ્યવસાય માટે રોડ પર કબજાે જમાવીને બેસી જાય છે. ઉપરાંત તેઓ રાતે પણ રોડ-ફૂટપાથ પર માલસામાનને બાંધી ત્યાં ને ત્યાં મૂકીને ઘરભેગા થાય છે. આ બંને બાબત ટ્રાફિકને અડચણરૂપ તો છે જ, પરંતુ ભદ્ર પ્લાઝાની સફાઈ માટે પણ બાધા ઊભી કરે છે.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગનો સ્ટાફ ભદ્ર પ્લાઝાની સફાઈ કરે તો ક્યારે અને કેવી રીતે ? તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોઈ રાતે જ તમામ ધંધાર્થીઓ તેમનો માલસામાન ઘેર લઇ જવો પડશે અને તેમને વહેલી સવારથી રોડ પર કબજાે પણ નહીં કરવા દેવામાં આવે તેવી ચેતવણી પણ તંત્રે આપી છે.