ભાવનગરમાં બિલ્ડરનું અપહરણ કરનાર ૪ આરોપી ઝડપાયા
(એજન્સી)ભાવનગર, ભાવનગરના ઘોઘા રોડ પોલીસ દ્વારા કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા વેપારીના અપહરણ, ખંડણી માંગવી, માર મારવા સહિતની ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત ચાર જેટલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા ૯ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઘોઘા રોડ પોલીસ મથકના પીઆઇ ડી. ડી. ઝાલાના જણાવ્યા પ્રમાણે, પોલીસ દ્વારા હાલ ભાર્ગવ ગોડિયા (ઉવ.૨૪), ધર્મેન્દ્ર વાઘેલા (ઉવ.૨૫), કેતન સોલંકી (ઉવ.૩૦) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે.
પુખ્ત વયના ત્રણ જેટલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તારીખ ૯ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુનાના કામે અભયસિંહ રાઠોડ નામના વ્યક્તિની શોધખોળ હજુ પણ શરૂ છે.કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જાેડાયેલા હિતેશભાઈ ઘોઘારીએ ચોથી એપ્રિલના રોજ પોતાનું અપહરણ કરવામાં આવ્યું હોય
તેમજ તેમની પાસેથી રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હોય તેમ જ તેમને ઢોર મારવામાં આવ્યો હોય તે બાબતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનાના કામે નેત્રમ પ્રોજેક્ટની મદદથી આરોપીઓની શોધખોળ કરતા આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી પણ મળી છે.