ન્યૂ રાણીપના બંગલામાં જુગારધામ ચાલી રહ્યુ હતું
સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ.૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે
અમદાવાદ, સાબરમતી ન્યૂ રાણીપ રાજધાની બંગલામાં જુગાર રમતા ૧૩ જુગારિયાને સાબરમતી પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડામાં પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ, વાહનો સહિત કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
સાબરમતીના ન્યૂ રાણીપ રાજધાની બંગલામાં ચાલતો જુગારનો ડ્ડો આસપાસના વિસ્તારોમાં કુખ્યાત બન્યો છે. દિવસભર આ સ્થળે જુગારિયાઓની ભીડ રહેતી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પરેશભાઈ પટેલનો જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ખાતરી કરી હતી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે બંગલામાં જુગાર ચાલતો હતો.
પોલીસે જુગારિયા અને મકાનમાલિક સહિત કુલ ૧૩ લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા જુગારિયામાં પરેશભાઈ પટેલ, યશ દરજી, દર્શન પટેલ, જિજ્ઞેશ પંચાલ, વસંતભાઈ પઢિયાર, મનીષ પરડિયા, અલ્પેશ પટેલ, રાહુલ ચૌહાણ, વિનોદ ચાહાણ, ચિરાગ શાહ, સંજય ચૌહાણનો સમાવેશ થાય છે.
પોલીસે તીનપત્તી દાવ પર લાગેલા અને આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિત કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને સાબરમતી પોલીસે ૧૩ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં છાનેચોકે જુગારની પ્રવૃત્તિ ધમધમવા લાગી છે. શહેરમાં ઠેર ઠેર જુગાર રમાઈ રહ્યો છે. પોલીસ પકડે ત્યારે ખ્યાલ આવે છેકે આ જગ્યાએ જુગાર પણ રમાય છે. હવે પોશ એરિયામાં ફ્લેટ-સોસાયટી જુગારનાં ધામ બની ગયાં છે. ફ્લેટ-મકાન ભાડે રાખીને તેમાં મોટાપાયે જુગાર રમાડાતો હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.
જુગાર રમાડવાની પદ્ધતિ બદલાઈ છે. પોલીસની નજરથી બચવા અવનવા હથકંડા અજમાવવામાં આવે છે જુગારધામ ચલાવતા લોકો ફ્લેટ-મકાન ભાડે રાખીને જુગારધામ ચલાવે છે તો ફાર્મ હાઉસની વાત પણ નવી નથી તેવી જ રીતે અન્ય રાજ્યમાં એટલે કે ગુજરાતના પડોશી રાજ્યોમાં જુગારીને લઈ જઈને ચોક્કસ જગ્યા પર જુગાર રમાડાતો હોવાની વાત પણ ચર્ચામાં છે.