યુવકે વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા છતાં ધમકીઓ મળતાં ઉંદર મારવાની દવા પીધી
વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકે આપઘાતની કોશિશ કરી
અમદાવાદ, સોલા વિસ્તારમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી યુવકે ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી છે. યુવકે વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં ધમકીઓ આપતા હોવાથી આ પગલું ભર્યું હતું.
ન્યૂ રાણીપના મેલડીનગરમાં રહેતા હિતેશભાઈરાઠોડે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિતેશભાઈ ફર્નિચરનું કામકાજ કરે છે.
આજથી પાંચ વર્ષ પહેલાં હિતેશભાઈના પિતા તેમજ નાના ભાઈનાં અવસા થયાં હતાં. ત્યાર બાદ દીકરીના લગ્ન હતાં, જેથી ઘરમાં પૈસાની તંગી ઊભી થઈ હતી. હિતેશભાઈએ કલ્પેશ મિસ્ત્રી પાસેથી ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેની સામે પોતાના મકાનના કાગળ આપ્યા હતા.
હિતેશભાઈએ કલ્પેશને વ્યાજ સાથે ૭.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યાર બાદ હિતેશભાઈએ પ્રભાત રબારીને પણ વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હતા. બીજા વ્યાજખોરને પણ રૂપિયા આપી દીધા હતા.
હિતેશભાઈ સમયસર બધા વ્યાજખોરોને રૂપિયા આપતા હતા. તમામ વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માટે હિતેશભાઈ પાસે અવારનવાર ઉઘરાણી કરી ધમકી આપતા હતા.
વ્યાજખોરો હિતેશભાઈને અમારી મૂડી ઉપરાંત વ્યાજ નહીં આપો તો બહાર નીકળશો તો જાેઈ લઈશું તેવી ધમકી આપતા હતા. કલ્પેશે હિતેશભાઈને કહ્યું હતું કે તમારું મકાન મારી પાસે છે, પૈસા નહીં આપો તો મકાન ખાલી કરાવી દઈશ.
હિતેશભાઈ ખૂબ ડરી ગયા હતા, જેથી તેમને ક્યાંય પણ ચેન પડતું ન હતું. આથી હિતેશભાઈએ ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. હિતેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે લઇ ગયા હતા. હિતેશભાઈએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.