Western Times News

Gujarati News

અર્જુન તેંડુલકરે અંતિમ ઓવરમાં મુંબઈને જીત અપાવી

નવી દિલ્હી, કેમેરોન ગ્રીનની અડધી સદી તથા તિલક વર્માની તોફાની બેટિંગ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૩ની સિઝનમાં પોતાનો ત્રીજાે વિજય નોંધાવ્યો હતો. મંગળવારે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૪ રને પરાજય આપ્યો હતો.

પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે ગ્રીનના ૬૪ અને તિલક વર્માના તાબડતોબ ૩૭ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૭૮ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. એક સમયે હૈદરાબાદ જીતી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ બાદમાં મુંબઈના બોલર્સે વળતો પ્રહાર કર્યો હતો. અંતિમ ઓવરમાં હૈદરાબાદને જીત માટે ૨૦ રન જાેઈતા હતા.

અંતિમ ઓવર માટે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ નવોદિત અર્જુન તેંડુલકર પર વિશ્વાસ મૂક્યો હતો. અર્જુને પણ તેને નિરાશ કર્યો ન હતો અને ટીમને વિજય અપાવ્યો હતો. ભુવનેશ્વર કુમારને આઉટ કરીને અર્જુને ટીમને જીતાડી હતી અને આ સાથે જ આઈપીએલમાં પોતાની પ્રથમ વિકેટ પણ ઝડપી હતી.

અર્જુન તેંડુલકરે મેચમાં ૨.૫ ઓવરમાં ૧૮ રન આપીને એક વિકેટ ઝડપી હતી. ૧૯૩ રનના કપરા લક્ષ્યાંક સામે હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર હેરી બ્રૂક નવ રન તથા રાહુલ ત્રિપાઠી સાત રન નોંધાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ટીમે ૨૫ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓપનર મયંક અગ્રવાલ અને કેપ્ટન એઈડન માર્કરામની જાેડીએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માર્કરામ ૧૭ બોલમાં ૨૨ રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો.

હજી ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા અભિષેક શર્મા પણ એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. મયંક અગ્રવાલે એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો. તેણે ૪૧ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેને ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

જેના કારણે ટીમ લક્ષ્યાંકથી થોડા રન દૂર રહી ગઈ હતી. મુંબઈ માટે જેસન બેહેન્ડ્રોફ, રિલી મેરેડિથ અને પિયુષ ચાવલાએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે અર્જુન તેંડુલકર અને કેમેરોન ગ્રીનને એક-એક સફળતા મળી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

મુંબઈની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની જાેડીએ ૪.૪ ઓવરમાં ૪૧ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, બંને બેટ્‌સમેન સેટ થઈ ગયા બાદ આઉટ થઈ ગયા હતા. રોહિતે ૧૮ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૨૮ રન ફટકાર્યા હતા. જ્યારે ઈશાન કિશન ૩૧ બોલમાં બે સિક્સર અને ત્રણ ચોગ્ગાની મદદથી ૩૮ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબા કેમેરોન ગ્રીને બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.