૧૭ દિવસ પહેલાં નોકરી પર રાખેલો કારીગર 11.75 લાખની સોનાની રણી લઈ ગાયબ
વેપારીની ફરિયાદ બાદ રફુચક્કર થયેલા કારીગરની પોલીસ દ્વારા શોધખોળ
અમદાવાદ, શહેરમાં સોની વેપારીઓ સાથે કારીગરો દ્વારા ઠગાઈના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. વધુ એક સોની વેપારીનો કારીગર રૂા.૧૧.૭૫ લાખની સોનાની રણી લઈ ભાગી ગયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પાલડી નેમ ફ્લેટમાં રહેતા નીરવ શાહ માણેકચોક ખાતે સોનાના દાગીના વેચાણનું કામકાજ કરે છે તેમની દુકાનમાં ૧૬ કારીગર કામ કરે છે. જેમાં સત્તર દિવસ પહેલાં રાજસ્થાનમાં રહેતા રણવીર પુરોહિતને તેમણે કાઉન્ટર પર નોકરીએ રાખ્યો હતો.
આ દરમિયાન તેણે સારી રીતે કામ કર્યું હતું. નીરવ રણવીરને સોનાના દાગીના આપી માણેકચોક વિસ્તારમાં ટચ કઢાવવા માટે મોકલતો હતો. તે કહ્યા મુજબ દાગીના ચટ કરાવીને દાગીના દુકાને પરત લાવતો હતો. જેથી નીરવને રણવીર પર વિશ્વાસ આવી ગયો હતો.
બે દિવસ પહેલાં નીરવ તેની દુકાન પર આવ્યો હતો. તે વખતે રાજસ્થાનનો એક વેપારી એક સોનાની રણી લઈને આવ્યો હતો. તેને સોનાની રણીમાંથી દાગીના બનાવવા હતા. નીરવે સોનાની રણીનું વજન કરતાં ૨૩૨.૬૬૦ ગ્રામ વજન થયું હતું. જેની કિંમત ૧૧.૭૫ લાખ થતી હતી.
નીરવે આ રણી કારીગર રણવીરને ટેસ્ટિંગ માટે આપી હતી. રણવીર રણી લઈને નાસી ગયો હતો. નીરવે રણવીરને ફોન કર્યાે ત્યારે તેનો ફોન બંધ થઈ ગયો હતો. નીરવે કારીગરની તપાસ કરી પરંતુ તે મળી આવ્યો ન હતો.
નીરવે રણવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જેના આધારે વિશ્વાસઘાત અને છેતરપિડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. શહેરમાં સોની બજારમાં વેપારીઓને અને માલિકોનો વિશ્વાસ જીતીને સોનું લઈને ફરાર થઈ જવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે.
આમ થવા પાછળનું કારણ આંધળો વિશ્વાસ અને ઓછા ભાવમાં મજૂરી કરાવવાની લાલચ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે લાખોનાં ઘરેણાં લઇને ગાયબ થયેલાં કારીગરો સામે આવે તે પછી મહત્ત્વની વિગતો બાર આવી શકે છે અને અગાઉ બનેલ કિસ્સાઓનો પણ ભાંડો ફૂટી શકે છે.
છાશવારે બનતા આ પ્રકારના બનાવો અંગે વેપારીઓ કારીગરો ઉપર આંધળો વિશ્વાસ મૂકી દે છે, વેપારીઓ ગુજરાતી કારીગરોને કામ આપવાને બદલે અન્ય રાજ્યના કારીગરોને એટલે કામ આપે છે કારણ કે તેમની મજૂરીનો દર ઓછો હોય છે. આ ઉપરાંત ગુજરાતી કારીગરો કરતાં તે સારી કારીગરી કરતા હોવાથી સોની વેપારીઓ તેમને દાગીના ઘડાવવા માટે આપવાનું પસંદ કરે છે, અને અવારનવાર સોનું ગુમાવે છે.