ઝારખંડના રાજ્યપાલે તમિલ પરિવારો સાથે બેસી લાઈટ શો નિહાળ્યો
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ – ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો-ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનો લ્હાવો લઈ મહાપૂજા કરી
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ ખાતે પધારેલા ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નનએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ શરણમાં વંદન કર્યા હતા તથા સંધ્યા આરતી દર્શન કર્યા હતા.
મંદિરમાં રાજ્યપાલશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવના શરણે પૂજા અર્ચના સાથે સતત ઓમકારના જાપ સાથે રાજ્યપાલશ્રી શિવમય બન્યા હતા. મંદિર ખાતે રાજ્યપાલશ્રીનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મંદિરના પટાંગણમાં તમિલ પરિવારો સાથે બેસી રાજ્યપાલશ્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને શિવ ભક્તિને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિરના સેક્રેટરીશ્રી યોગેન્દ્ર દેસાઈ, અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો. એલ. મુરૂગન સોમનાથ મહાદેવના દર્શન કરી પાવન બન્યા વિધિ વિધાન અનુસાર સોમનાથ મહાદેવ દેવાલયમા મહાપૂજા કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ડો. એલ. મુરૂગન
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે પધારેલા માહિતી અને પ્રસારણ, મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો. એલ. મુરૂગનએ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાપૂજા કરી હતી.
સોમનાથ મહાદેવ દેવાલયમાં સાગર કિનારે બિરાજતા દાદા સોમનાથના દર્શન કરીને મહાદેવના ચરણોમાં વંદન કર્યા હતા. દેવાલયના પાવન પરિસરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન અનુસાર સોમનાથ મહાદેવની મહાપૂજાનો લ્હાવો લઈ મંત્રીશ્રી શિવમય બન્યા હતા.
કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથની પાવન ભૂમિ પર પધારેલા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સોમનાથ દાદાના દર્શન કરી મહાદેવને જળાભિષેક કર્યો હતો.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ દેવાલયમાં પાવન દર્શનનો લાભ લઈ મહાદેવને પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરી મંત્રીશ્રીએ મહાદેવના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.