બહેરામપુરાના અલ હબીબ એસ્ટેટમાં AMCની ટીમ ત્રાટકી
ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ ૧૯૪૯ હેઠળ કાર્યવાહી કરાઈ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાય છે. જે અંતર્ગત ગેરકાયદે બાંધકામો હટાવાઈ રહ્યાં છે. આ ઝુંબેશ અંતર્ગત તંત્ર ગઈકાલે દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં આવેલા અલ હબીબ એસ્ટેટમાં હથોડા ઝીંક્યા હતા.
જેના કારણે આવા બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૬૩ (ઈસનપુર વેસ્ટ)માં રે.સ. નંબર ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૩૧ પૈકીમાં નારોલ સર્કલ પાસે આવેલા અલ હબીબ એસ્ટેટના પ્લોટ નં.૨૩ માં અંદાજે ૧૩૦૦ ચો. ફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફર્સ્ટ ફ્લોરના ઇન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ ૧૯૪૯ હેઠળ કાર્યવાહી કરાઈ હતી.
તંત્રની નોટિસનો અનાદર કરી બાંધકામકર્તાએ બાંધકામ પૂર્ણ કરી તેનો વપરાશ ચાલુ કર્યો હતો, જેના કારણે તંત્રે આ મિલકતમાંથી સાત જેટલી આઇશર ગાડીનો ઉપયોગ કરી માલ-સામાન ખાલી કરાવ્યો હતો તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.
જ્યારે પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નં. ૧૦૬ (રામોલ-વસ્ત્રાલ)માં તંત્રના રિઝર્વ પ્લોટમાં ૧૪ કાચાં-પાકાં ઝૂંપડાં અને એક ૧૫૦ ચો.મી.ની દેરીનું દબાણ થયું હતું. સત્તાવાળાઓએ આ તમામ દબાણને દૂર કરી ૫૩૨૭ ચો.મી. ક્ષેત્રફળના મ્યુનિ. રિઝર્વ પ્લોટને ખુલ્લો કરાયો હતો.
આ ઉપરાંત ગોમતીપુર વોર્ડમાં રાજેન્દ્ર પાર્કથી ૧૩૨ ફૂટ રોડ સુધીના ૧૮ મીટર ટીપી રોડમાંથી ચાર રહેણાક પ્રકારનાં કુલ ૧૧૦ ચો.મી.ના બાંધકામને હટાવ્યાં હતાં તેમજ ૧૮ વ્હીકલને લોક મારી રૂ. ૨૪૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. વસ્ત્રાલ વોર્ડ અને ભાઈપુરા વોર્ડમાં ૧૨ વ્હીકલને લોક મારી રૂ.૩૦૦૦ નો તેમજ નિકોલ વોર્ડમાં ૧૬ વ્હીકલને લોક મારી રૂ.૮૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.