રીલ બનાવવા માટે બાઈક ખરીદવા ૧૪ લાખની ચોરી
અમદાવાદ, આજના યુવાનોને સોશિયલ મીડિયાનું વ્યસન થઈ ગયું છે. તેઓ એક કલાક તો દૂરની વાત પરંતુ ૧૫ મિનિટ પણ તેના વગર રહી શકતા નથી. ક્યારેક પોસ્ટ પર લાઈક્સ અથવા વ્યૂ વધારવા માટે તેઓ જીવ જાેખમમાં નાખતા અચકાતા નથી અથવા સારી લાઈફસ્ટાઈલ જીવતા હોવાનો દેખાડો કરવા ચોરી પણ કરવા લાગે છે.
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ઈન્સ્ટાગ્રામ પર રીલ માટે બાઈક ખરીદવા ત્રણ શખ્સોએ ૧૪ લાખની ચોરી કરી હતી. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. ત્રણમાંથી બે આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના શોખીન હોવાથી મોંઘી બાઈક બૂક કરાવી હતી.
પરંતુ પૈસા ન હોવાથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને બાદમાં પોતાના વતન ડુંગરપુર ભાગી ગયા હતા. સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ચરણકૃપા સોસાયટીમાં રહેતા એક વૃદ્ધના ઘરમાંથી ત્રણેય શખ્યો ૧૪ લાખ રોકડા ભરેલી તિજાેરી જ ઉઠાવી ગયા હતા. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું.
જેમાંથી ચોરી કરવા આવેલા શખ્સમાંથી એક બાલકૃષ્ણ ઉર્ફે બાલુ ઉર્ફે કિશન હતો, જે પહેલા વૃદ્ધને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરી ચૂક્યો હતો. જે બાદ પીઆઈ કે.વાય. વ્યાસે તેમની ટીમના ડી-સ્ટાફ પીએસઆઈ આર.પી. ડાભી અને ઝોન-૭ એલસીબીના પીએસઆઈ ડી.એ. રાઠોડને આરોપીઓના લોકેશન ટ્રેક કરી તેમના સુધી પહોંચવા માટે આદેશ આપ્યો હતો. જ્યાંથી ચોરી કરી તેની આસપાસના વિસ્તારમાં આરોપીઓ આવવા હોવાની બાતમી પોલીસને મળી હતી.
જે બાદ વોચ ગોઠવી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ ઉર્ફે કિશન, ઈશ્વર રોત અને વિનોદ ઉર્ફે રોની મીણાની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૬.૪૦ લાખ રોકડા અને ત્રણ ફોન સહિત કુલ ૬.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ત્રણની સાથે અન્ય એક શખ્સ પણ હતો, જે પોલીસ પકડથી દૂર છે.
જેની પાસે ચોરીના સાત લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કુલ ૧૪ લાખની ચોરી કર્યા બાદ ચારેય શખ્સ ડુંગરપુર ભાગી ગયા હતા, ત્યાંથી તેમણે બ્રાન્ડેડ કપડા અને જૂતા ખરીદ્યા હતા. ઝોન-૭ના ડીસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું હતું કે ‘ચરણકૃપા સોસાયટીમાં બનેલી ચોરીની ઘટના અંગે પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
તેમાંથી એક બાલકૃષ્ણ આ ઘરમાં પહેલા ઘરઘાટી તરીકે કામ કરતો હતો, જાે કે તે સમયે તેનું વેરિફિકેશન કરાવ્યું નહોતું. આ ઘરમાં હજી પણ ત્રણ ઘરઘાટી છે અને તેનું વેરિફિકેશન પણ નથી કરાવ્યું. તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસ તરફથી સૌને અપીલ છે કે, પોલીસ વેરિફિકેશન કર્યા વગર કોઈ પણ ઘરઘાટીને ઘરમાં પ્રવેશ આપશો નહીં’.SS1MS