અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં સોનાનો ભાવ પણ અલગ અલગ
અમદાવાદ, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે તમને અહીં ૭ થી ૮ એવાં શો રૂમ મળશે જ્યાં તહેવારમાં ગ્રાહકોની ભીડ ચોક્કસથી રહે છે, કારણ કે ગ્રાહકોને લાગ છે કે અહીં તેમને ૧૦૦ ટકા હોલમાર્ક વાળું સોનું મળે છે, વાત ખોટી પણ નથી પરંતુ અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે આ તમામ શો રૂમમાં જે સોનું મળે છે તેની અસલી પ્રાઈઝ જુદી જુદી છે. સૌ પ્રથમ અમે પહોંચ્યા શિવરંજની ચાર રસ્તા પર જ્યાં કોર્નર પર આવેલી ૨૨ કેરેટ સોનાનો ભાવ ૩૭૮૧૦ રૂપિયા હતો. ત્યારબાદ અમે અમદાવાદના અભિષેક જવેલર્સ પર પહોંચ્યા, જ્યાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૩૭૧૯૦ રૂ. હતો. આમ એક પછી એક તપાસમાં અમને ભાવમાં વેરિએશન જોવા મળ્યા અને માલુમ થયું કે કુલ ૭ દુકાનમાં બપોરનાં પોણ બાર વાગે અલગ અલગ ભાવ છે, જેમાંથી ૩ દુકાનના ભાવ સરખા જ્યારે ૫ દુકાનનાં ભાવ અલગ અલગ હતા.
અમદાવાદના નાના જ્વેલર્સમાં પણ આ જ સ્થિતિ છે કે નહીં તે જાણવા માટે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં એક જ રોડ પર આવેલી જવેલર્સના શો રૂમમાં સોનાના ભાવ અલગ અલગ હતા. આ રોડ પર આવેલી કંકુ શ્રી જવેલર્સ, પાયલ જવેલર્સ, ઘરેણાં જવેલર્સ દરેક જગ્યાના ભાવમાં ૨૦૦ થી ૫૦૦ રૂપિયાનો ફર્ક હતો અહીં પૂછવામાં આવ્યું કે તમને લગડી જોઈએ છે કે દાગીના? જો હોલમાર્ક વગરનાં દાગીના જોઈતાં હોય તો અહીં તમને પ્રાઈઝ મળશે અને જો ૨૨ કેરેટના દાગીના જોઈતાં હોય તો તેની પણ પ્રાઈઝ અલગ મળશે. આ વિશે અમે જાણવા માટે સંપર્ક કર્યો જેમીન જવેલર્સ રિટેઈલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ અને ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશનનાં સ્ટેટ પ્રેસિડેન્ટ શાંતિભાઈ પટેલનો જેમણે સ્વીકાર્યું કે અમદાવાદમાં ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ સ્ક્રીમ રાખવામાં આવે છે. જેને કારણે ભાવ અલગ હોય છે. જોકે. એસોસિએશન સાથે સંકળાયેલાં જવેલર્સમાં એક સરખા ભાવ હોય છે.