Western Times News

Gujarati News

ફ્લાઈટમાં સામાન લોડ ના કરતાં વિદ્યાર્થીઓ સહિત ૬૦ મુસાફરો લંડનમાં અટવાઈ ગયા

નવી દિલ્હી, એરલાઈનના કારણે પેસેન્જરો હેરાન થયા હોય તેવા કિસ્સા અવારનવાર આવતા રહે છે. ક્યારેક કોઈક એરપોર્ટ પર સામાન રહી ગયો હોય અથવા તો ક્યારેક જે-તે સ્થાનેથી પ્લેનમાં બેઠા હોય ત્યાંથી જ સામાન લોડ કરવાનો રહી ગયો હોય તેવું બનતું હોય છે. એરલાઈનો બાદમાં સામાન મુસાફરો સુધી પહોંચાડી આપતી હોય છે પરંતુ એ દરમિયાન જે માનસિક યાતના થાય છે તે આખી મુસાફરીની મજા બગાડી નાખે છે. હાલમાં જ આવું એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયું છે.

મંગળવારે વહેલી સવારે અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉપડી હતી. તેમાં બેઠેલા મુસાફરો હીથ્રો એરપોર્ટ પર અટવાઈ પડ્યા કારણકે તેમનો સામાન આવ્યો જ નહોતો. એર ઈન્ડિયાના એરપોર્ટ સ્ટાફને પણ સામાન ક્યાં છે તેના વિશે કોઈ જાણકારી નહોતી પરંતુ સામાન મળી જશે તેવી બાંહેધરી તેમણે આપી હતી.

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, અમદાવાદથી છ૧ ૧૬૧ ફ્લાઈટ ઉપડી હતી અને વાયા દિલ્હીથી લંડનના હીથ્રો એરપોર્ટ પર બુધવારે સવારે પહોંચી હતી. પોતાનો સામાન લેવા માટે પેસેન્જરો કન્વેયર બેલ્ટ પર પહોંચ્યા ત્યારે બેગ આવી જ નહીં. લગભગ ૬૦ મુસાફરોની બેગો ખોવાઈ ગઈ છે.

તેઓ પૂછપરછ કરવા માટે સ્ટાફ પાસે પહોંચ્યા ત્યારે તેમણે રુક્ષતાથી સામાન લોડ ના થયો હોવાનું કહી દીધું. સામાન દિલ્હીમાં રહી ગયો છે કે અમદાવાદમાં તેનો સંતોષકારક જવાબ મુસાફરોને મળ્યો નહોતો. સ્ટાફે ફક્ત એટલું જ કહ્યું કે, તેમનો સામાન હીથ્રો એરપોર્ટ પર આવી જશે એટલે તેમને જાણ કરવામાં આવશે. પરંતુ સામાન કેટલા સમયમાં આવશે તેની કોઈ ચોક્કસ માહિતી આપાવામાં આવી નહોતી.

સામાન રહી ગયો હતો તેમાંથી કેટલાય પેસેન્જરોને યુએસ અને કેનેડાની કનેક્ટિંગ ફ્લાઈટમાં બેસવાનું હતું. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. અમદાવાદની વિદ્યાર્થિની સોનાલી શાહે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “હું પહેલીવાર કેનેડા જઈ રહી છું અને એ પણ સ્ટડી વિઝા પર.

હું સામાન વગર શું કરીશ તેની મને ચિંતા છે.” સોનાલી શાહ તેની ફ્લાઈટ ચૂકી શકે તેમ નહોતી અને સામાનની રાહ જાેઈને બેસી રહે તે પણ શક્ય નહોતું. જેથી તે સામાનની રાહ જાેયા વિના જ કેનેડાની કનેક્ટિંગ ફ્લાઈટમાં બેસી ગઈ હતી.

યુકેમાં રહેતા સમીર પટેલે પોતાના સામાનની રાહ જાેવામાં લગભગ ૩ કલાક એરપોર્ટ પર કાઢ્યા હતા. જ્યારે તેમણે સ્ટાફને પૂછ્યું તો સામાન આવશે ત્યારે સંપર્ક કરીશું તેવો જવાબ મળ્યો હતો.”મારી બેગમાં કેટલોક કિંમતી સામાન હતો. આશા રાખું છું કે તે સુરક્ષિત હોય”, તેમ ચિંતાતુર સ્વરે સમીર પટેલે જણાવ્યું હતું. ૨૪ કલાક વીતી ગયા છે છતાં એરલાઈન તરફથી સામાન અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.