પોળોના કુદરતી સૌંદર્ય વચ્ચે પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો વિષય પર પરિસંવાદ યોજાયો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર ખાતે પોળોના જંગલોના પ્રાકૃતિક સાંન્નિધ્યમાં ગુજરાત પ્રેસ અકાદમી, ગુજરાત રાજ્ય અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માહિતી વિભાગના ઉત્તર ગુજરાત વિભાગના કર્મચારીઓ માટે ‘પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય અંગે પરિસંવાદ અને તાલીમ કાર્યક્રમ યોજાયો.
આ પરિસંવાદ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલકભાઈ ત્રિવેદી, ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર મુકુંદભાઈ પંડયા તથા મ્મ્ઝ્રના સિનિયર રિપોર્ટર ભાર્ગવભાઈ પરીખે ‘પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય અંતર્ગત પ્રત્યાયનના વિવિધ મુદ્દાઓ અંગે કર્મચારીઓને તલસ્પર્શી જ્ઞાન પીરસ્યું હતું.
પોળોના કુદરતી સૌંદર્ય વચ્ચે આધુનિક સમયમાં પત્રકારત્વના વિવિધ પાસાંઓ સંદર્ભે પ્રત્યાયનની પરિભાષા અને વર્તમાન વૈશ્વિક પ્રવાહ, સમાચાર લેખન માટે માહિતી એકત્ર કરવાની નિપુણતા, માહિતી અધિકારીઓના પત્રકારો સાથેના સંબધોની આવશ્યકતા જેવા વિષયો પર હકારાત્મક ચર્ચા વિચારણા થકી કર્મચારીઓને વિવિધ વિષયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પરિસંવાદ અને ચિંતન શિબિર કાર્યક્રમમાં માહિતી વિભાગના ઉત્તર ગુજરાત રિજિયનના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય સહિત વિવિધ જિલ્લાઓના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.