IPL2023 T20: KKR Vs PBKS એક ઓવરમાં રસેલે પલટી દીધી બાજી
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબને પાંચ વિકેટે પરાજય આપ્યો
નવી દિલ્હી, કેપ્ટન નિતિશ રાણાની અડધી સદી બાદ આન્દ્રે રસેલે રમેલી તોફાની ઈનિંગ્સની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાંચ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો.
IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૦૨૩નો આ વધુ એક મુકાબલો એવો રહ્યો જેનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું હતું. પંજાબ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. કેપ્ટન શિખર ધવનના ૫૭ રનની મદદથી પંજાબે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૯ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ૧૮૨ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૧૮૦ રનનો લક્ષ્યાંક હતો. એક સમયે કોલકાતા હારી જવાની અણી પર આવી ગયું હતું. ટીમને બે ઓવરમાં ૨૬ રનની જરૂર હતી. ત્યારે સેમ કરને કરેલી ૧૯મી ઓવરમાં આન્દ્રે રસેલે ત્રણ સિક્સર ફટકારીને મેચની બાજી પલટી દીધી હતી. તેણે કોલકાતાને વિજય અપાવ્યો હતો.
તેણે ૨૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૪૨ રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરમાં ટીમને છ રનની જરૂર હતી ત્યારે આન્દ્રે રસેલ આઉટ થઈ ગયો હતો. જાેકે, રિંકુ સિંહે અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને જીતાડી દીધી હતી. આ પહેલા કેપ્ટન નિતિશ રાણાએ શાનદાર બટિંગ કરી હતી.
તેણે ૩૮ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૫૧ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર જેસન રોયે ૨૪ બોલમાં ૩૮ અને ગુરબાઝે ૧૫ રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ ૧૦ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી
જ્યારે નાથન એલિસ અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રભસિમરન ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ભાનુકા રાજપક્સા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. જાેકે, કેપ્ટન શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી.
તેણે ૪૭ બોલમાં નવ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૫૭ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત લિયામ લિવિંગસ્ટોને ૧૫ તથા જિતેષ શર્માએ ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. સેમ કરન ફક્ત ચાર રન નોંધાવી શક્યો હતો. જાેકે, અંતિમ ઓવર્સમાં હરપ્રીત બ્રાર અને શાહરૂખ ખાને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ટીમનો સ્કોર વધારે મજબૂત બન્યો હતો.
હરપ્રીતે નવ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ ૧૭ રન નોંધાવ્યા હતા. જ્યારે શાહરૂખ ખાને આઠ બોલમાં અણનમ ૨૧ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ ત્રણ તથા હર્ષિત રાણાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે સુયશ શર્મા અને નિતિશ રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.