45 ICU બેડ અને 240 બેડ સાથે આણંદમાં સિવિલ હોસ્પિટલ બનશે
આણંદ ખાતે અધ્યતન સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશેઃ કલેકટર
સિવિલ હોસ્પિટલમાં ૨૪૦ બેડ, ૪૫ આઈ. સી. યુ. બેડ અને ૪ ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે.
(પ્રતિનિધિ)આણંદ, આણંદના જિલ્લા કલેકટર શ્રી ડીએસ ગઢવીએ આણંદ ખાતે બનાવવામાં આવનાર અધ્યતન સિવિલ હોસ્પિટલ અંગે કલેકટર કચેરી ખાતેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે, જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. Construction of proposed #AnandCivilHospital may kick off.
જેથી ભવિષ્યમાં જાે વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
કલેકટશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ ૫૦ બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે.
આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે આણંદ ખાતે બનનાર સિવિલ હોસ્પિટલ ખાતે સારામાં સારી આધુનિક ટેકનોલોજીથી સજજ સુવિધા સભર હોસ્પિટલ બનાવજાે.
આ માટે જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર આપશે. હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા ૧૮૦ કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જેથી ગ્રીન હોસ્પિટલ બનશે.
આણંદ ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ કુલ ૨૯,૭૬૧.૫૬ ચો.મીટરના જમીન વિસ્તારમાં તૈયાર થનાર સિવિલ હોસ્પિટલમાં ૨૪૦ બેડ, ૪૫ આઈ. સી. યુ. બેડ અને ૪ ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં કુલ ૫૦ બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે. હોસ્પિટલ ખાતે ૮૬ કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે.