યોગ અંગે જાગૃતિ માટે તૈયાર કરાયેલ માસિક યોગ ઈ-જર્નલનું કરાયું વિમોચન
ઈ-જર્નલ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ
યોગની પ્રવૃતિઓને વેગ આપવા યોગનો પ્રચાર પ્રસાર થાય તેવા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ તજજ્ઞોના રીસર્ચના આધારે તૈયાર કરાયેલા ઈ-જર્નલનું વિમોચન કરવામાં આવ્યું છે. જે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં ઉપલબ્ધ છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર, આ યોગ ઈ-જર્નલ ઓનલાઇન ઝુમ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીશ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ www.gsyb.in પર વિમોચન કરવામાં આવ્યું. જેનો આશરે ૫૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.
યોગ એ વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21 મી જુનના દિવસને –‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.